ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં એક્સિઓમ મિશન 4 હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકે છે. આ મિશનમાં, ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર જવાના છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક અપડેટમાં આ માહિતી જણાવી છે.
નાસા અને ઇસરો વચ્ચેના કરાર હેઠળ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ઈન્ડિયન એરફોર્સમાં અધિકારી છે. શુભાંશુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય અને અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે. આ પહેલા રાકેશ શર્માએ 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અંતરિક્ષની યાત્રા કરી હતી.
આ અવકાશયાત્રીઓ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરશે. આ મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. લોન્ચ તારીખ ફાઈનલ મંજૂરી અને મિશન તૈયારીના આધારે જાહેર કરવામાં આવશે.
અડ્ઢ-4નો મુખ્ય હેતુ અવકાશમાં વૈજ્ઞાનિક સંશોધન, ટેકનોલોજી પ્રદર્શન કરવાનો છે. આ મિશન પ્રાઈવેટ સ્પેસ યાત્રાને પ્રોત્સાહન આપવાની અને ભવિષ્યમાં કોમર્શિય સ્પેસ સ્ટેશન (Axiom Station)) સ્થાપિત કરવાની દિશામાં એક્સિઓમ સ્પેસની યોજનાઓનો એક ભાગ છે.
એક્સિઓમ મિશન 4 એક ખાનગી અવકાશ ઉડાન મિશન છે. આ મિશન અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની એક્સિઓમ સ્પેસ અને નાસા વચ્ચેના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ એક્સિઓમ સ્પેસનું ચોથું મિશન છે. 17 દિવસનું મિશન એક્સિઓમ 1 એપ્રિલ 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એક્સિઓમનું બીજું મિશન 2 મે, 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ મિશનમાં, ચાર અવકાશયાત્રીઓએ અવકાશમાં આઠ દિવસ વિતાવ્યા હતા. ત્રીજું મિશન 3 જાન્યુઆરી, 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ક્રૂએ સ્પેસ સ્ટેશન પર 18 દિવસ વિતાવ્યા હતા.
શુભાંશુ શુક્લા મે મહિનામાં જઈ શકે છે સ્પેસ સ્ટેશન



