ભારત પણ આ દેશોમાં સામેલ, 90% ઓઈલ રિલાયન્સ ખરીદે છે
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.26
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાથી ઓઈલ અને ગેસ ખરીદનારા દેશો પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. ટ્રમ્પના મતે, તેનો હેતુ વેનેઝુએલાને સજા આપવાનો છે.
ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલા જાણી જોઈને અને કપટથી ગુનેગારો અને હિંસક ગેંગના સભ્યોને યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલે છે, જેમાં ટ્રેન ડી અરાગુઆ જેવા આતંકવાદી સંગઠનોનો પણ સમાવેશ થાય છે. અમે આ ગુનેગારોને પાછા મોકલીશું.
અમેરિકન રાષ્ટ્રપતિના આ નિર્ણયથી રિલાયન્સ જેવી કેટલીક ભારતીય કંપનીઓની મુશ્ર્કેલીઓ વધી શકે છે. રિલાયન્સ ભારત દ્વારા આયાત કરાયેલા લગભગ 90% ઓઈલ વેનેઝુએલાથી ખરીદે છે.
ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, ડિસેમ્બર 2023માં, ભારતે વેનેઝુએલાથી દરરોજ લગભગ 1,91,600 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. જાન્યુઆરી 2024માં, આ વધારીને 2,54,000 બેરલ પ્રતિ દિવસ આયાત કરવામાં આવ્યું.
આ વેનેઝુએલાના કુલ ઓઈલ નિકાસના 50% હતા, એટલે કે, ભારતે વેનેઝુએલાએ વેચેલા ઓઈલનો અડધો ભાગ ખરીદ્યો. જો કે, પછીથી તેમાં ઘટાડો થયો. ભારતે એક વર્ષમાં વેનેઝુએલા પાસેથી 22 મિલિયન બેરલ તેલ ખરીદ્યું. આ ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતના 1.5% હતું.
વર્ષ 2025માં, ભારતે ગયા વર્ષ કરતા પાડોશી દેશ પાસેથી ઓછું ઓઈલ ખરીદ્યું છે. કેપ્લરના કોમોડિટી માર્કેટ એનાલિટિક્સના ડેટા અનુસાર, ભારતે જાન્યુઆરી 2025માં દરરોજ લગભગ 65,000 બેરલ વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી અને ફેબ્રુઆરી 2025માં દરરોજ 93,000 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી.
ભારત તેની ઓઈલની જરૂરિયાતના 85%થી વધુ આયાત કરે છે. વેનેઝુએલાનું ઓઈલ ભારતને પ્રમાણમાં સસ્તા ભાવેમળે છે કારણ કે તે ભારે ક્રૂડ ઓઈલ છે જેને ભારતીય રિફાઇનરીઓ સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. તે રશિયા અને મિડલ ઈસ્ટના ઓઈલની તુલનામાં ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ છે. એક્સપર્ટ માને છે કે ટ્રમ્પના નિર્ણયથી કેટલીક ભારતીય કંપનીઓની મુશ્ર્કેલીઓ વધી શકે છે. ભારતીય રિફાઇનરીઓએ હાલમાં વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદવાનું શરૂૂ કર્યું હતું. વર્ષ 2024માં ભારતે વેનેઝુએલાથી 22 મિલિયન બેરલ ઓઈલ આયાત કર્યું હતું. જો કે, આ ભારતની કુલ ઓઈલ આયાતના માત્ર 1.5% છે.
ભારતીય કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (ઈંઘઈ) વેનેઝુએલા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. રિલાયન્સને જુલાઈ 2024માં વેનેઝુએલાથી ઓઈલ આયાત કરવા માટે અમેરિકા તરફથી મંજૂરી મળી હતી. વોશિંગ્ટને આ માટે લાઇસન્સ જારી કર્યું હતું.
2024માં ભારતે વેનેઝુએલા પાસેથી ખરીદેલા કુલ ઓઈલમાં રિલાયન્સનો હિસ્સો લગભગ 20 મિલિયન બેરલ હતો. આ ભારતની કુલ વેનેઝુએલાની ઓઈલ આયાતના લગભગ 90% હિસ્સો ધરાવે છે.
વેનેઝુએલાના ઓઈલ નિકાસનો સૌથી મોટો આયાતકાર ચીન છે. આ દેશે ચીન પાસેથી 10 બિલિયન ડોલરથી વધુની લોન લીધી છે, જે તે ઓઈલના બદલામાં ચૂકવે છે. વર્ષ 2024 માં, ચીને દરરોજ સરેરાશ 3,51,000 બેરલ ઓઈલ ખરીદ્યું. આ વેનેઝુએલાના કુલ ઓઈલ નિકાસનો લગભગ અડધો ભાગ હતો. જો કે, આ 2023 કરતા 18% ઓછું હતું. તેમજ, ચીને વેનેઝુએલા પાસેથી દરરોજ સરેરાશ 4,28,000 બેરલ ઓઈલ ખરીદ્યું હતું. 2023માં, વેનેઝુએલાની 65% ઓઈલ નિકાસ ચીનમાં થઈ હતી.
વેનેઝુએલાથી ઓઈલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવાના પગલાથી માત્ર ચીન જ નહીં પરંતુ અમેરિકાને પણ નુકસાન થઈ શકે છે. 2022માં, બાઈડન સરકારે અમેરિકન તેલ કંપની શેવરોનને વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદવાની મંજૂરી આપી હતી.
ત્યારબાદ શેવરોન વેનેઝુએલાના ઓઈલનો મુખ્ય ખરીદદાર બન્યો. શેવરોન 2024માં દરરોજ સરેરાશ 240,000 બેરલ ઓઈલ ખરીદ્યું. આ વેનેઝુએલાના કુલ ઓઈલ ઉત્પાદન (દિવસના 9,14,000 બેરલ)ના આશરે 26% હતું.
ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકન ઓઈલ કંપનીને આપવામાં આવેલ લાઇસન્સ રદ કરવાની જાહેરાત કરી છે. સરકારે શેવરોનને વેનેઝુએલામાં તેની કામગીરી બંધ કરવા માટે 27 મે, 2025 સુધીનો સમય આપ્યો છે.