ફનવર્લ્ડ પાસે પાનની કેબિનની આડમાં ગાંજો વેચતો દિવ્યાંગ ઝડપાયો : રિમાન્ડ પર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શૌચાલય નજીક પાનની કેબિન ચલાવતા વિકલાંગ શખ્સને પ્રનગર પોલીસે 3.467 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો, પોલીસે એક દિવસના રિમાન્ડ પર લઇ આરોપીની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં સપ્લાયર તરીકે ઇન્દ્ર નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. રાજકોટના રેસકોર્સમાં ફનવર્લ્ડની દીવાલ પાસે પાનની કેબિન ચલાવતો શખ્સ ગાંજાનો જથ્થો કેબિને લઇને આવ્યાની માહિતી મળતાં પ્ર.નગરના પીઆઇ વસાવા સહિતની ટીમ દોડી ગઇ હતી.
- Advertisement -
પોલીસે શખ્સને રાઉન્ડઅપ કરી તપાસ કરતાં તેની પાસેથી રૂ.34,670ની કિંમતનો 3.467 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને મોબાઇલ સહિત કુલ રૂ.46,870નો મુદ્દામાલ જપ્ત કરી કેબિન સંચાલક વિકલાંગ નાણાવટી ચોક નજીક રહેતા નરશી મૂળજી નાગરની ધરપકડ કરી હતી આ મામલાની તપાસ ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી હતી, પોલીસે આરોપી નરશીને એક દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં ઇન્દ્ર નામનો શખ્સ ગાંજો આપી ગયાનું તેણે રટણ કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે દિવ્યાંગ નરશી નાગર રેસકોર્સમાં પાનની કેબિનના ઓઠા હેઠળ આ વેચાણ કરતો હતો, રેસકોર્સમાં પાન-સિગારેટના બહાને નશાખોરો નરશી પાસે આવતા હતા અને માદક પદાર્થની પડીકી ખરીદી જતા હતા, નરશી લાંબા સમયથી માદક પદાર્થ વેચતો હોવાની શંકા સેવાઇ રહી છે, પોલીસે આ મામલે વિશેષ તપાસ શરૂ કરી હતી.