રાજકોટ – દેશના અર્થતંત્રમાં ગ્રામિણ આર્થિક પ્રવૃતિઓનો ફાળો નોંધપાત્ર રહેલો છે. આથી કેન્દ્ર અને રાજય સરકારે ગ્રામીણ અર્થતંત્રને મજબુત બનાવવા માટે કૃષિ અને પશુપાલન વ્યવસાયને આધુનિક અને મજબુત બનાવવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.
રાજય સરકારે તાજેતરમાં જ સાત પગલા ખેડુત કલ્યાણના યોજના અમલી બનાવી છે. જેમાં સમાવેશ કરવામાં આવેલ સાત યોજનાઓ પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અન્વયે ખેડૂતોની ઉત્પાદિત જણસોની સુરક્ષા અને વધારે આવક રળી શકે તે માટે રૂા. ૩૦ હજારની મર્યાદામાં(યુનીટ ખર્ચના ૩૦ ટકા લેખે) સહાય આપવામાં આવે છે. ગત વર્ષ ૨૦૨૦-૨૧માં રાજકોટ જિલ્લામાં ૯૪૫ પાક સગ્રહ યુનીટ માટે કુલ રૂા.૧૪૩ લાખની માતબર રકમની સહાય ચુકાવાયેલી છે. ચાલુ વર્ષે પણ રાજયમાં આ યોજના અન્વયે કુલ રૂા. ૨૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે.