રાત્રીએ છકડો રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો
ખાસ-ખબર ન્યૂઝ લાઠી
લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે રાત્રીએ છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયાની ધટના બની હતી. છકડો રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો જેમા બે પુરુષ અને એક બાળકીનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય છકડો રીક્ષા ચાલક ઘાયલ થતા તેને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. મળતી વિગતો અનુસાર લીલીયાના ખારા ગામના દેવીપુજક પરિવારના જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.25), દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.33), દિનેશભાઈની ત્રણ વર્ષની પુત્રી રાજલ એમ કુલ ત્રણ વ્યકિતઓ બાઇક લઇને દામનગર જવા નીકળ્યા હતા. અને તે દરમિયાન સામેથી આવી રહેલી છકડો રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા છકડો પણ રોડ પર પલ્ટી ખાઇ ગયો હતો. આ ધટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. અને ત્રણેય મૃતકોને પીએમ અર્થે દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.