સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે બે હજારથી પણ વધુ કોલસાની ખાણો ધમધમે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના આવતા ગ્રામ્ય વિસ્તારો ઝાલાવાડ પંથકમાં ગણાય છે વર્ષો પૂર્વે ઝાલાવાડ સમૃધ્ધ પંથક ગણાતું હતું પરંતુ છેલ્લા એકાદ દશકાથી ઝાલાવાડને રાજ્યના પછાત વિસ્તારોમાં એક માનવામાં આવે છે પરંતુ આ પછાત જિલ્લાના પેટાળમાં રહેલું ખનિજ ઝાલાવાડની ફરી એક વખત સમૃધ્ધ બનાવી શકે તેમ છે છતાં ખનિજ માફીયાઓ અહીં દરરોજ કરોડોની ખનિજ ચોરી કરી રહ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાનગઢ અને સાયલા પંથકમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણોમાં માત્ર કોલસો જ ગેરકાયદેસર નથી ! આ કોલસાની ખનિજ ચોરી પાછળ જિલેટિંગ વિસ્ફોટક અને વીજ ચોરી પણ બેફામ થાય છે. પરંતુ કોલસાની આ ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓને રોકવાનું કોઈની તાકાત કે હેસિયત નથી.
- Advertisement -
સામાન્ય ગ્રામ્ય વિસ્તારના રહીશોને પણ પિતાના ગામ કે સીમમાં થતી ખનિજ ચોરી અટકાવવી છે પરંતુ કોલસાનું ખોદકામ કરતાં માફિયાઓને તંત્રની સાથે રાજકીય નેતાઓના પણ ચાર હાથ હોવાથી ખંજજ માફિયાઓની દાદાગીરી સામે સામાન્ય લોકો ડરમાં પોતાનું જીવન ગાળી રહ્યા છે. અહીં થતી કોલસાની ખનિજ ચોરી બાબતે વાત કરવાના આવે તો ખનિજ માફીયાઓ તંત્ર સાથે એટલા હદે ઘરોબો ધરાવે છે કે કોઈપણ સામાન્ય વ્યક્તિ જો આ ખનિજ માફિયા વિરુદ્ધ તંત્રને જાણ કરે કે તરત જ ખનિજ માફિયા સુધી રજૂઆત કરનારનું નામ અને મોબાઇલ નંબર સુધી પહોંચી જાય છે અને બાદમાં ખનિજ માફીયાઓ આ રજૂઆત કરનારને ડરાવી ધમકાવે છે કેટલાક પ્રકરણમાં ખનિજ માફિયાઓની દાદાગીરી લીધે રજૂઆત કરનાર પોલીસ મથક સુધી પણ પહોંચે છે પરંતુ પોલીસમાં બેઠેલા કર્મચારીઓ પણ અંતે આડકતરી રીતે ખનિજ માફિયાઓના પક્ષ લઈને રજૂઆત કરનારને ત્યાંથી જ ડરાવી “માથાકૂટમાં નથી પડવું” જેવા શબ્દોનો ઉચ્ચાર કરાવી નાખે છે. થાનગઢ મૂળી અને સાયલા ખાતે ચાલતા ગેરકાયદેસર કોલસાના કાળા કારોબારને નાથવા માટે જિલ્લામાં ખાણ ખનિજની ટીમ પણ તૈનાત છે પરંતુ આ ખાણ ખનિજની ટીમ ખનિજ માફિયાની નાથવાના બદલે ખનિજ માફિયાઓના થવામાં વધુ રસ ધરાવે છે જેમાં લીધે જિલ્લાની કરોડોની ખનિજ સંપત્તિ આગાઉ લૂંટાઈ ગઈ છે અને આજેય લુટાઈ રહી છે.
જ્યારે આ પ્રકારે જો ભવિષ્ય પણ ચાલતું રહેશે તો માત્ર ઇતિહાસના પાનાં પર ઝાલાવાડ પંથકમાં ખનીજનો ભરપૂર ભંડાર હોવાનું પુસ્તકોમાં વાચવા સુધી જ સમિતિ રહી જાય તેમ છે.



