રોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલા ઈશ્વરને પ્રાર્થના કરવાનું ભૂલશો નહીં. સ્વામી નિજાનંદ સરસ્વતીજી કહે છે કે, “પ્રકર્ષ અર્થના એટલે પ્રાર્થના અર્થાત્ ભારપૂર્વક કે હૃદય પૂર્વક માગણી કરવી તેને પ્રાર્થના કહેવાય.” પ્રાર્થનાના બે હેતુઓ હોય છે. પ્રેય પ્રાપ્તિ માટે અને શ્રેય પ્રાપ્તિ માટે. પ્રેય પદાર્થો માટેની પ્રાર્થના સાંસારિક ઈચ્છા પૂરી કરવા માટે થતી હોય છે પરંતુ મનુષ્ય પ્રેય પદાર્થોની પ્રાપ્તિથી ક્યારેય સંતુષ્ટ થતો નથી. એક સાંસારિક ઈચ્છા પૂરી થાય કે તરત જ બીજી ઈચ્છા ઊભી થઈ જાય છે. આવો મનુષ્ય જીવન ભર માગતો રહે છે અને ક્યારેય પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકતો નથી.
બીજા પ્રકારની પ્રાર્થનાને શ્રેય પ્રાપ્તિની પ્રાર્થના કહેવાય છે. આ પ્રકારની પ્રાર્થના જ પૂર્ણતાની પ્રાપ્તિની પ્રાર્થના હોય છે. એક વાર શ્રેય પ્રાપ્તિ થઈ જાય પછી બીજું કંઈ જ પ્રાપ્ત કરવાનું શેષ રહેતું નથી, જીવન પૂર્ણ થઈ જાય છે. તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે અર્થાત .જે પરમાત્માને જાણી લે છે તેની બધી જ કામનાઓ પૂરી થઈ જાય છે” જ્યાં સુધી સાંસારિક જવાબદારીઓ વહન કરવાની છે ત્યાં સુધી મનુષ્યો પ્રેય પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરતા રહે છે પણ જેટલી ઝડપથી પ્રેયમાંથી છૂટીને શ્રેય તરફ વળીશું એટલી ઝડપથી આપણું જીવન પૂર્ણ બનશે.