હા, એ સાચું છે કે શમિતાભ ફિલ્મ શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને જ મેં લખી હતી દિગ્દર્શક આર. બાલકીના આ શબ્દો છે, ખરેખર તો એક ફિલ્મમાં બે મોટા સ્ટાર હોય તો એ માત્ર ફિલ્મ નથી રહેતી, તેમાં બીજું પણ ઘણું આવી જતું હોય છે અને મને આ ઘણુંબધુંને સમજવામાં ઘણો સમય લાગ્યો. એવા પણ દિવસો આવ્યાં કે સ્ટોરી સેશન વખતે અમિતજી કહેતાં : આ મારી ફિલ્મ નથી સામા પક્ષો શાહરૂખ ખાન પણ એ જ વાત કરતાં : આ મારી ફિલ્મ નથી.
– નરેશ શાહ
આખરે કેટલાંય મહિનાની મહેનત પછી મને સમજાયું કે શમિતાભમાં બે સુપરસ્ટાર એક્સાથે નહીં ઝળકી શકે. હું ખુબ પરેશાન થઈ ગયો. મેં મનોમન માંડવાળ કરી લીધું કે હું શમિતાભ નહીં બનાવું પણ મારી અંદરથી અવાજ આવ્યો કે અત્યારે નહીં કરે તો આ ફિલ્મ તું ક્યારેય નહીં કરી શકે અને… હું ધનુષને મળ્યો અને ફિલ્મ વાપસ પટરી પે આ ગઈ પણ હા, શરૂઆતમાં શમિતાભ ફિલ્મમાં એક સુપરસ્ટાર (અમિતાભ બચ્ચન) નો અવાજ અને એક સુપરસ્ટાર (શાહરૂખ ખાન)નો ચહેરો જ હતા
અલગ મૂડ, મિજાજ અને માહૌલની ફિલ્મો બનાવનારાં આર. બાલકીનું આ સ્ટેટમેન્ટ આપણને એક સર્જકની આંતરિક મથામણ અને વ્યવહારિક મૂંઝવણનો ચિતાર આપે છે તો હંટર જેવી બોલ્ડ ફિલ્મથી એન્ટ્રી કરનારા હર્ષવર્ધન કુલકર્ણીની વાત સાંભળો : હંટર ફિલ્મ મેં ર01રમાં શૂટ કરી લીધી હતી પણ ફિલ્મ ર01પમાં એટલે કે ત્રણ વર્ષ પછી રિલિઝ થઈ શકી. સૌથી વધુ સમસ્યા ત્યારે થાય કે જયારે તમારી ફિલ્મમાં કોઈ સ્ટાર ન હોય… જયારે હું હંટર બનાવતો હતો ત્યારે જ મોનસૂન શૂટઆઉટ નામની ફિલ્મ બની હતી, જેમાં નવાઝુનિ સિદિકી હતા. એ કાન્સમાં દર્શાવવામાં આવી હતી પણ એ આજ સુધી રિલિઝ નથી થઈ (ર017ના અંતમાં એ રિલિઝ થઈ પણ ઘણાખરાંને ખબર પણ નથી ). તમને ખબર છે, વિક્કી ડોનર પણ રિલિઝ કરવા માટે કોઈ તૈયાર થતું નહોતું. એ તો તેની સાથે જહોન અબ્રાહમ એસોસિએટ થયા એટલે ઈરોઝ વાળા ફિલ્મને રિલિઝ કરવા તૈયાર થયા
- Advertisement -
ચળક્તાં, આંજી દેતાં સિનેમા જગતના આ એવા સ્વાનુભવ છે, જે આપણને અજવાળામાં દટાઈ જતી કાળમીંઠ સચ્ચાઈથી વાકેફ કરાવે છે. આવા ઓથેન્ટિક કેફિયતના સ્ત્રોત હોય છે, જેતે વ્યક્તિએ સ્વયં લખેલાં લખાણો યા ગંભીરતાપૂર્વક લેવાયેલાં ઈન્ટરવ્યૂઝ.
આપણે આજે જે પુસ્તકની વાત કરવાના છીએ, એ પણ આ જ શ્રેણીનું પુસ્તક છે પણ તેની બે વિશિષ્ઠતા છે. એક, તેમાં માત્ર ફિલ્મ જગતની હસ્તીઓ જ છે અને તેમના ઈન્ટરવ્યૂ સિનેમાના બે અત્યંત અભ્યાસુ લેખક-પત્રકાર અભય બ્રહ્માત્મજ તેમજ મયંક શેખરે લીધા છે. દરઅસલ જાગરણ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન આમંત્રિત કરાયેલાં ઈમ્તિયાઝ અલી (જબ વી મેટ, રોકસ્ટાર), રાજકુમાર હિરાણી (મુન્નાભાઈ સિરિઝ, પીકે) અનુરાગ કશ્યપ (દેવ ડી, ગેંગ્સ ઓફ વાસેપુર), મધુર ભંડારકર (ચાંદની બાર, પેજ થ્રી, ટ્રાફિક સિગ્નલ), આર. બાલ્કી (ચીની કમ, પા), કબીર ખાન (બજરંગી ભાઈજાન, ન્યુયોર્ક), અભિષેક ચોબે (ઈશ્ક્યિાં, ઉડતા પંજાબ), સૌરભ શુકલા (સત્યા, બર્ફી, રેઈડ), હર્ષવર્ધન કુલકર્ણી (હંટર, હંસી તો ફસી) અને પૂજા ભટ્ટ (ડેડી, પાપ) જેવા અગિયાર ક્સાયેલાં લેખક-દિગ્દર્શક-અભિનેતાઓના લેવાયેલાં ઈન્ટરવ્યૂઝ(યુ ટયૂબ પર અમુક ઈન્ટરવ્યૂઝ ઉપલબ્ધ છે આખેઆખા)ને શબ્દશ: ગ્ંરથસ્થ કરવામાં આવ્યાં છે, એ પુસ્તકનું નામ : ટોકીઝ : સિનેમા કા સફર.
આ પુસ્તક બે વ્યક્તિઓએ ખાસ વાંચવા જેવું છે. લાંબા લખાણો વાંચવાની ધીરજ ન હોય તેમના માટે આ પુસ્તક ઉમદા સાબિત થાય તેવું છે કારણકે તેમાં સવાલ-જવાબના સ્વરૂપમાં ટૂ ધ પોઈન્ટ, વાતચીત છે. માત્ર વાતચીત જ નહીં, નિખાલસ અભિપ્રાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોબી કે ગ્રૃપિઝમ વિષે અભય બ્રહ્માત્મજ પ્રશ્ર્ન કરે છે ત્યારે અનુરાગ કશ્યપ કહે છે કે, તમે જૂઓ કે આપણા જે સુપરસ્ટાર્સ છે, એ બધા આઉટ સાઈડર છે, એ અમિતાભ બચ્ચન હોય કે શાહરૂખ ખાન યા ગોવિંદા. હા, તેમની જર્ની અને લડાઈ લાંબી હોઈ શકે છે. સ્વીકાર્ય બનવા માટે અહિંયા (ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં) તમારે ધાડ પાડવાની સખત જરૂર પડે છે પણ આ એ જ વ્યક્તિ કરી શકે, જે સંપુર્ણ ભરોસો રાખે કે સામી વ્યક્તિ તમારો દુશ્મન નથી. એ માત્ર તમારાથી ડર મહેસુસ ન કરે, એવું કશુંક તમારે કરવું રહ્યું. કુત્તા ભી આપકો તભી કાટતા હૈ જબ ઉસ કો આપસે ડર લગતા હૈ
- Advertisement -
અનુરાગ કશ્યપ તો રાકેશ રોશન, અમિતાભ બચ્ચન, અજય દેવગણના નામ આપીને વિસ્તૃપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લોકોની માનસિક્તા સમજાવે છે પણ આપણે, આ પુસ્તકમાં બીજા કોને રસ પડશે, તેની વાત કરવાની બાકી છે. જે લોકોને ફિલ્મ લાઈનમાં જવું છે (અથવા અત્યારે સ્ટ્રગલ કરી રહ્યાં છે) તેમના માટે ટોકીઝ : સિનેમા કા સફર એક અલ્ટીમેટ પુસ્તક છે કારણકે અહીં દિગ્ગજો અને નીવડેલાં સર્જકોના સંઘર્ષ અને તેમાંથી તેમણે મેળવી લીધેલાં માર્ગની વાતો ખરેખર ઉપયોગી થાય તેવી છે. અનુરાગ કશ્યપ પોતાની સંઘર્ષની વાત કરીને સમજાવે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ જમાવવો હોય તો મળે તે કામ કરતા રહો કારણકે, કોઈ એમ જ આવીને તમારી ટેલન્ટ પર કરોડો રૂપિયા દાવ પર લગાવવાનું નથી. ત્રણ-ત્રણ નેશનલ એવોર્ડ જીતનારાં દિગ્દર્શક મધુર ભંડારકાર ત્રિશક્તિ જેવી કોમર્શિયલ ફિલ્મ બનાવ્યા પછી ચાંદની બાર જેવી સાર્થક ફિલ્મો તરફ કેમ વળ્યા તેની વાત કરીને ગાઈડલાઈન દોરી આપે છે કે, ફિલ્મ લાઈનમાં આવનારે પોતાના માટેનું બીજું પ્લેટફોર્મ કાયમ તૈયાર રાખવું જોઈએ. નિષ્ફળ થયા પછી એ પ્લેટફોર્મ પર લાઈફ સેટ કરી લેવા માટે
શીખથી માંડીને સમજણ આપતાં આ વિવિધરંગી ઈન્ટરવ્યૂઝમાં તમને દિગ્દર્શકો ઉપરાંત અભિનયના મહારથી જેવા સૌરભ શુકલા પાસેથી એ પણ જાણવા મળે છે કે, જોલી એલએલબીના જજ તરીકે અભિનય કરતી વખતે તેમણે કઈ ફોર્મ્યુલા વાપરી હતી. ઈસ રાત કી સુબહ નહીં (અને તાજેતરમાં દાસ-દેવ ફિલ્મ)જેવી ફિલ્મ બનાવનારાં સુધીર મિશ્રા તમને તમારી ટેલેન્ટને બચ્ચાંઓની જેમ જતન કરવાની ભલામણ કરે છે તો ઉડતા પંજાબ ફેઈમ અભિષેક ચૌબેની વાતચીતમાંથી ભારતની લોકબોલીનો ફિલ્મમાં ઉપયોગની મહત્તા સમજવા જેવી છે. રોક સ્ટાર ઈમ્તિયાઝ અલી, રાજકુમાર હિરાણી, કબીર ખાન, પુજા ભટ્ટની વાતો સમજણની એક નવી બારી ખોલી આપે છે. એકઝિટ લેતી વખતે રાજકુમાર હિરાણી કેમ રહેશે ? સંજુબાબાની બાયોગ્રાફી બનાવી ચૂકેલાં રાજકુમાર હિરાણી કહે છે : સંજયદતે કલિયરલી એક વાત કહી છે કે, આ ફિલ્મ તેમને ગ્લોરીફાય કરવા માટે ન બનવી જોઈએ. કહાણી જેવી છે તેવી જ રીતે કહેવાવી જોઈએ. તેની ખરાબીઓ, તેની અચ્છાઈયાં જેવી છે તેવી જ રીતે પેશ કરવામાં આવે.