રૂ. 43.30 કરોડની પુરાંત ધરાવતા આ બજેટને વહીવટદારોએ પણ આવકાર્યુ
લોકો ઝાલાવાડની ઐતિહાસિક કથાઓ, ધરોહરથી માહિતગાર થાય તે હેતુથી ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમવાર 2025-26ના વર્ષનું પ્રથમ સામાન્ય બજેટ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે વહીવટદાર જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના ઉપસ્થિતિમાં કમિશનર નવનાથ ગવ્હાણેએ રૂ.751.58 કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં જુના કરવેરા દર યથાવત રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં પંચાયતે નક્કી કરેલા કરવેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે.
- Advertisement -
કમિશનર નવનાથ ગવ્હાણેએ બજેટ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને નાગરિકોને માળખાકીય સુવિધાઓ અને જરૂરી સામાજિક સુવિધાઓ સરળતાથી અને મહત્તમ રીતે પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે બજેટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, લીવેબલ અને હેરિટેજ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર-2047ની થીમ આધારિત આ બજેટમાં નગરજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાતો માટે વિચારો અને બજેટ માટેના સૂચનો માંગવામાં આવ્યા હતાં.
સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર અભિયાન અંગેની જાણકારી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય અને લોકો ગમે ત્યાં કચરો ન નાખે તે માટે નગરજનોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ, જાહેર અને વાણિજિયક મિલકતોની નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થાપન, ઘન અને પ્રવાહી કચરાનો 100% વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવાનું આયોજન છે. મહાનગરપાલિકામાં હાલમાં અમલમાં રહેલા પ્રોજેક્ટ તથા બજેટમાં કરેલા વિવિધ આયોજનોના અસરકારક અમલીકરણ થકી વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત સુરેન્દ્રનગરનું મહત્વનું યોગદાન હશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બજેટમાં મહત્વની જોગવાઈઓ
- Advertisement -
વર્ષ 2025-26ના બજેટમાં વોટર પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો અને આજુબાજુના વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે રૂ.77 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં આવેલા વોટર વર્ક્સ અને પંપીંગ સ્ટેશનો, સંસ્થાઓની તમામ મિલકતોના વીજબીલમાં રાહત માટે સોલર પેનલ લગાવવામાં આવશે જે માટે બજેટમાં રૂ.પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો અને આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરના કામો માટે રૂ.80 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મૂળચંદ, ચમારજ, ખમીસણા, ખેરાળી, તથા માળોદ ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂ.111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ઉપર આવેલા સર્કલના અપગ્રેડેશન કરવા તથા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવા વિસ્તારોમાં નવા સર્કલ બનાવવા માટે રૂ.2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા સેનિટેશનની કામગીરી માટે રૂ.58 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્યલક્ષી સેવાઓ માટે રૂ.05 કરોડ અને મોડેલ ફાયર સ્ટેશન બનાવવા રૂ.5.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોને સેવાઓ સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે નવા બે સિવિક સેન્ટર બનાવવામાં આવશે તેમજ દરેક ઝોનમાં ત્રણ વોર્ડ ઓફિસની રચના કરવામાં આવશે. વેજીટેબલ માર્કેટ માટે રૂ.2 કરોડ અને ફૂડ કોર્ટના વિકાસ માટે રૂ.01 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોકો ઝાલાવાડની ઐતિહાસિક કથાઓ, ધરોહરથી માહિતગાર થાય તે હેતુથી ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.02 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નગરજનો માટે ભક્તિનંદન સર્કલ પાસે શોપિંગ મોલ બનાવવાના આયોજન માટે રૂ.5 કરોડ અને ટીપી સ્કીમના ખુલ્લા પ્લોટો અને સાર્વજનિક જગ્યાઓમાં ફોરેસ્ટ અને અર્બન ફોરેસ્ટ બનાવવા માટે રૂ.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ટાગોરબાગમાં યોગા સેન્ટર બનાવવા માટે રૂ.50 લાખ અને મહાનગરપાલિકા વિસ્તારમાં બાળકો માટે પાંચ નવી આંગણવાડી બનાવવા માટે રૂ.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. જોકે આ બજેટ લોકોની સુખ અને સુવિધા માટેનું હોવાનું જણાવતા સુરેન્દ્રનગર મનપા ખરેખર અહીંના નાગરિકોને સુવિધા આપી શકે છે કે નહીં ? તે હવે આગામી દિવસોમાં સામે આવશે



