સરકારી બસનું કોઈ ટાઈમ ટેબલ નહીં હોવાથી બાળકો અભ્યાસ છોડી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્યના શિક્ષણ વિભાગ “સૌ ભણે, સૌ આગળ વધે” સૂત્ર માત્ર દિવાલો પર લગાવવા માટેનું જ હોય તેવું સાબિત થયું છે કારણ કે આજેય ગુજરાતના કેટલાય ગામો એવા છે જ્યાં માત્ર સરકારી બસના અભાવે ગામના બાળકો અભ્યાસથી વંચિત રહી જાય છે. આ પ્રકારનો વધુ એક કિસ્સો પણ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે પ્રકાશમાં આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામના કેટલાક બાળકો ધ્રાંગધ્રા ખાતે આવ્યા માટે આવે છે પરંતુ સ્થાનિક એસ.ટી વિભાગની બેદરકારીના લીધે આ બાળકો હવે અભ્યાસને છોડી પાછા ફરી રહ્યા છે.
- Advertisement -
એસ.ટી વિભાગ દ્વારા મૂકવામાં આવેલી વસાડવા ગામે જતી કોઈપણ બસ ટાઇમ ટેબલ મુજબ ચાલતી નથી જેના લીધે વસાડવા ગામેથી ચોકડી સુધી લગભગ સાતેક કિલોમીટર સુધી ચાલીને જતા બાળકોને અભ્યાસ છોડી અંતે પરત ઘરે ફરી જવું પડે છે.
આ પ્રકારે કોઈપણ સમયે સરકારી બસ સમયસર નહીં આવતી હોવાથી ગ્રામીણ રહેતા વાલીઓ મોટાભાગે પોતાની દીકરીઓને અભ્યાસ ક્રમ ન છૂટકે છોડાવીને ઘરકામ પર લગાવે છે. આ પ્રકારે આજે પણ દરરોજ વસાડવા ગામથી ધ્રાંગધ્રા અભ્યાસક્રમે આવતા 30થી વધુ વિધાર્થીઓ દરરોજ ગામથી ચોકડી સુધી સાતેક કિલોમીટરના પગપાળા કરીને આવે છે અને બપોરના ખરા તડકામાં ઊભા રહીને ટાઈમ ટેબલ વગરની સરકારી બસોની રાહ જુએ છે. જોકે આ ટાઇમ ટેબલ વગર આવતી સરકારી બસ અંગે અનેક વખત એસ ટી ડેપોને જાણ કરી છે પરંતુ નીંભર એસ ટી તંત્રને બાળકોના અભ્યાસ ક્રમે કોઈ જ ફેર પડતો નથી.