ટ્રેકટર, હિટાચી મશીન, ચરખી સહિત આશરે ત્રણ કરોડનો મુદામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી પંથકમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર સામે સ્થાનિક તંત્ર હવે હરકતમાં આવ્યું છે જેમાં થાનગઢ પંથકના ખાખરાળી વિસ્તારમાં જિલ્લા એલ.સી.બી અને ખાન ખનિજ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે દરોડો કરાયો છે. ખાખરાળી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણમાં દરોડો કરી ટ્રેક્ટર, લોડર, ચરખી તથા કોલસા સહિત ત્રણ કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરાયો છે. જ્યારે એક શખ્સને સ્થળ પરથી ઝડપી લઈ એની નાશી છૂટેલા શખ્સોની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
થાનગઢ પંથકમાં ચાલતી સૌથી વધુ કોલસાની ગેરકાયદેસર ખાણો સામે હવે તંત્ર એક્શન મોડ પર આવ્યું હોય તેવું નજરે પડે છે જેમાં ગત મોડી સાંજે થાનગઢ પંથકના ખાખરાળી વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર કોલસાના કૂવા પર જિલ્લાના ખનિજ વિભાગ અને એલ.સી.બી ટીમ દ્વારા સંયુક્ત રીતે દરોડો કર્યો હતો આ દરોડામાં 300 ટનથી વધું કોલસાનો જથ્થો, પાચ ટ્રેક્ટર લોડર, 10 ચરખી સહિત અંદાજે ત્રણ કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરાયો હતો જ્યારે ખાખરાળી વિસ્તારમાં કોલસાની ખાણ પર સંયુક્ત દરોડામાં ગોપાલભાઈ મનજીભાઈ વિજવાડીયાને ઝડપી પાડયો હતો આ સાથે કેટલાક ઈસમો નાશી છૂટયા હતા તેઓની તપાસ પણ હાથ ધરી હતી આ દરોડામાં કોલસો તથા વાહનો સહિતનો તમામ મુદામાલ જપ્ત કરી થાનગઢ પોલીસ મથકે મોડી રાત્રે ગુન્હો નોંધવાની કામગીરી ચાલી હતી. ત્યારે એક તરફ જ્યારે ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા છેલા બે દિવસથી ખનિજ ભરેલા વાહનો અને ગેરકાયદે ખનન પર દરોડો કરતા જિલ્લા ખાણ ખનિજની ટીમ પર શંકા ઉપજી છે ત્યારે ખાખરાળી વિસ્તારમાં એલ.સી.બી દ્વારા દરોડો કરી ખાણ ખનિજ વિભાગને મુદામાલ સોંપતા હવે કોલસાના ગેરકાયદેસર ખનનનો મામલો ગરમી પકડી રહ્યો હોય તેવું નજરે પડે છે.