રાજકોટમાં કોરોનાકાળના ત્રણ વર્ષ બાદ વેચાણમાં 60 ટકાનો ઘટાડો
રાજકોટ કોર્પોરેશને 5 વર્ષમાં સાયકલ પર મળતી
1000ની સબસિડીની 11,860 અરજી મંજૂર કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટમાં કોરોનાકાળના સમયમાં લોકો સાયકલ ચલાવતા થાય તે માટે મનપા દ્વારા સાયકલની ખરીદી પર 1000 રૂપિયાની સબસિડી આપવાનો પ્રારંભ કરાયો હતો. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લેતા હતા. પરંતુ, ગયા વર્ષની વાત કરીએ તો, કોરોનાકાળની સરખામણીએ 60 ટકાનો ઘટાડો થયો છે. 1000ની સબસિડી મળતી હોવા છતાં સબસિડી સાથે સાયકલની ખરીદીમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2021-22માં કુલ સાયકલનું વેંચાણ 3414 પર પહોંચ્યું હતું. જોકે કોરોના હળવો થયા બાદ એટલે કે, 2023-24માં માત્ર 1340 સાયકલોનું વેંચાણ થયું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ મનપા દ્વારા શહેરીજનો આરોગ્યની સાથોસાથ પર્યાવરણ માટે જાગૃત થાય તે માટે 2019થી સાયકલની ખરીદી પર રૂ. 1000 સબસિડી આપવાની શરૂઆત થઈ હતી. આ માટે વર્ષ 2019થી 2024 સુધીમાં કોર્પોરેશન તંત્રને મળેલી અરજીઓમાંથી 11,860 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેની કુલ રૂપિયા 1,18,60,000ની સબસિડી ચુકવવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા 2019-20માં જ્યારે પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારે આ પ્રોજેક્ટ મેન્યુઅલી ચાલતો હતો. મતબલબ કે દેરક વોર્ડ ઓફિસમાં સાયકલ સબસિડીના ફોર્મ ભરવા પડતા હતા. અને અરજદારને લાંબા સમયે સબસિડી મળતી હતી.
જોકે આ પ્રોજેકટની સફળતા અને રાજકોટવાસીઓનો સાયકલ માટે વધતો ક્રેઝ જોતા આ પ્રોજેક્ટ ઓનલાઈન શરૂ કરી દેવાયો હતો. સાથોસાથ અરજદાર જે સ્થળેથી સાયકલ ખરીદે તે સ્ટોરના સંચાલક દ્વારા જ ઓનલાઈન ફોર્મ ભરી આપવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. ફોર્મ ભરવા અને સબસિડી બેંક એકાઉન્ટમાં જમા થવા સુધીની સુવિધા સરળ બનતાં સાયકલ ખરીદવા માંગતા લોકોની સરળતા વધી છે. ઘણાં કિસ્સામાં સબસિડીની રકમ મેળવવા માટે અપાયેલી બેંક એકાઉન્ટની વિગતોમાં વિસંગગતા હોય તો આવા કિસ્સામાં લાભાર્થીને રૂબરૂ બોલાવી સબસિડી માટેનો ચેક આપવામાં આવે છે.
- Advertisement -
મોટાભાગના શહેરીજનો માને છે કે, મહાનગરપાલિકા સામાન્ય સાયકલ પર સબસિડી આપે છે. પણ હકીકતે એવું નથી. મહાનગરપાલિકા દ્વારા રૂ. 3 હજારથી માંડીને 1 લાખ કે તેનાથી વધુ રકમની સાયકલની ખરીદી પર રૂ. 1,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવી રહી છે. જોકે રૂ. 50,000 કે તેથી વધુ રકમની ગિયર સાયકલ કે રેસિંગ સાયકલ ખરીદનારા લોકો 1000 સબસિડી માટે સામાન્ય રીતે મહાનગરપાલિકામાં અરજી કરતા નથી. પરંતુ 2019 પછીના આંકડાઓ જોતા 2020-21થી લઈ 2024 સુધીમાં સાયકલ વેચાણમાં મોટો વધારો થયો હતો. જેની સામે છેલ્લા વર્ષમાં 60%નો ઘટાડો નોંધાયો છે.
ક્યાં વર્ષમાં કેટલી અરજીઓ આવી કેટલી સબસિડી ચૂકવાઇ ?
વર્ષ સબસિડીની અરજીઓ ચૂકવાયેલ રકમ
2019-20 1523 15,23,000
2020-21 2422 24,22,000
2021-22 3414 34,14,000
2022-23 3161 31,61,000
2023-24 1340 13,40,000
કુલ 11,860 1,18,60,000
અધિકારી-પદાધિકારીઓ પણ સાયકલ લઈને આવતા બંધ થયા
કોરોના દરમિયાન રાજકોટનાં મનપા કમિશ્નર તરીકે ઉદિત અગ્રવાલ હતા. તેઓએ સપ્તાહમાં એક દિવસ તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાયકલ વાપરવા અનુરોધ કર્યો હતો. અને તેઓ ખુદ સાયકલ લઈને ઓફિસે આવતા હતા. આ પછી શહેર ભાજપ પ્રમુખના આદેશથી કોર્પોરેશનનાં પદાધિકારીઓ દ્વારા સોમવારે તેમને મળતી વાહનની સુવિધાથી દુર રહી જાહેર પરિવહન કે અન્ય રીતે કચેરીએ આવવા આદેશ થયો હતો. જોકે, અધિકારીઓ-પદાધિકારીઓએ થોડા સમય માટે આ આદેશનું પાલન કરીને પછી ઉલાળિયો કરી દીધો છે.