ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ નિમિતે આગામી તા. 16/02/2025 ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણીપંચની સ્થાયી સુચના અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ચૂંટણીપંચની સૂચના મુજબ ચૂંટણી હેઠળના આજુબાજુના વિસ્તારોમાંથી એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલાં ભરવા તેમજ ‘’ડ્રાય ડે” જાહેર કરવો આવશ્યક જણાય છે.
હાલમાં જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવેલ છે. તેને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસીયા, જૂનાગઢ દ્વારા ‘’ડ્રાય ડે” અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર જૂનાગઢ મનપા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના દુ-કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના 15-પલાસવા મતદારમંડળના મતદારવિસ્તારોમાં તા.14ના સાંજે 5 કલાકથી તા.16ના સાંજના 7 કલાક સુધી તેમજ મતગણતરીના દિવસે એટલે કે, તા.18 ફેબ્રુ.ના સમગ્ર દિવસ દરમિયાન “ડ્રાય ડે” જાહેર કરવામાં આવ્યો છે. દારૂના લાઈસન્સ હોલ્ડર સહિત કોઈએ પણ પ્રાંતીય/પરપ્રાંતીય કે દેશી દારૂનું કે અન્ય કોઈ પ્રતિબંધીત પીણાનું વેચાણ કે વિતરણ કરવું નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર બનશે.