ગુજરાતમાં ભાજપે અસંતોષનો સરવે કરાવ્યો: રીપોર્ટ મોવડીઓને સુપ્રત
ભાજપ અને સંઘના વિશ્ર્વાસુ ગણાતા અગ્રણી ગુપચુપ મુલાકાત લઇ જતા રહ્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.13
ગુજરાતમાં ભાજપ સંગઠન નવ રચના અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી સમયે જે રીતે અમરેલીના લેટર કાંડથી જેતપુરના મેન્ડેટ વિવાદ અને અનેક સ્થાનો પર જે રીતે બળવાખોરોએ ચૂંટણી લડવાનું સહાસ કર્યું છે તે મુદ્દે હવે એક વખત પ્રદેશ સંગઠનની રચના થયા બાદ અનેક નેતાઓ પર ઘોંસ બોલાવાય તેવા સંકેત છે. ભાજપના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં જે રીતે ગુજરાત ભાજપમાં અસંતોષ બહાર આવ્યો અને છેક પ્રદેશ પ્રમુખને પણ પડકારવાની અનેક નેતાઓએ ચેષ્ટા કરી તો લેટરકાંડ અને તેમાં પણ નવા-નવા લેટર છેક મુખ્યમંત્રી સુધી લખાયા તે બાબતની નોંધ ભાજપ મોવડી મંડળએ લીધી છે. આ ઉપરાંત જિલ્લા અને મહાનગરના પ્રમુખોની નિયુક્તિ માટેની સેન્સ સમયે જે રીતે ઉગ્ર રજુઆતો થઇ અને મોવડી મંડળે કોઇ નિર્ણય ન લીધો હોવા છતાં જો આ વ્યકિતના મુકશો તો આવું થશે તેવી ધમકી ભરી ભાષાનો પણ પ્રયોગ થયો તેનાથી ભાજપ મોવડી મંડળ હવે સ્તબ્ધ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે એક તરફ ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે વાતાવરણ ડહોળાઇ નહીં તેથી હાલમાં અસંતોષ અંગે એક ગુપ્ત સર્વે પ્રદેશ ભાજપમાં અને આરએસએસમાં વિશ્વાસુ ગણાતા નેતાએ રાજકોટ, ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગુજરાતના અનેક મોટા શહેરોની મુલાકાત લઇને સાચી હકીકતનો તાગ મેળવી ગયા છે. પ્રેદશ હવે જિલ્લા અને મહાનગરના પદાધિકારીઓની નિયુકિતમાં આ રીપોર્ટ મહત્વની રીતે ધ્યાનમાં લેશે. આમ ભાજપે પ્રથમ વખત અસંતોષનો પણ સર્વે કર્યો છે. જો કે તેમાં મર્યાદિત લોકો પાસેથી અભિપ્રાય મેળવાયા છે અને તે બહાર ન જાય તે પણ તાકિદ કરવામાં આવી છે.



