સરપંચે સરકારી જમીન પર ઈંટોનો પ્લાન્ટ બનાવ્યો, ગ્રામજનોએ કરી ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં સરકારી જમીનના અનધિકૃત કબજાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના સરપંચ સાપરા બચુભાઈ ઘેલાભાઈ સામે ગ્રામજનોએ લીંબડી પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓને લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સરપંચે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સર્વે નંબર 461માં આવેલી સરકારી પડતર જમીન પર કબજો જમાવ્યો છે. પાણીની ટાંકી નજીક આવેલી આ જમીન પર તેમણે મોટો વાડો બનાવી ઈંટો બનાવવાનો પ્લાન્ટ શરૂ કર્યો છે. આ જમીન માટે કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો કે કરારનામું કરવામાં આવ્યું નથી. ગ્રામજનોના કહેવા મુજબ, સરપંચ જૂથબંધી અને દબંગ વ્યક્તિ હોવાથી ગામના ગરીબ લોકો તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવવાથી ડરે છે. ગામમાં અનેક ગરીબ પરિવારો રહેવા માટે પ્લોટની રાહ જોઈ રહ્યા છે અને કેટલાક પરિવારોને એક જ મકાનમાં ભીડભાડમાં રહેવું પડે છે.
- Advertisement -
તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે: મામલતદાર
સ્થાનિક આગેવાનોએ સરપંચ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવાની માંગણી કરી છે. લીંબડી મામલતદાર કમલેશ બી.સોલંકીએ જણાવ્યું કે આ મામલે રજૂઆત મળી છે અને સ્થળ પર જઈને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા આ મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને વહેલી તકે કાર્યવાહી થશે તેવી ખાતરી આપવામાં આવી છે.