સોનગઢ ગામે દરોડો કરતા ખનિજ વિભાગને રાજકીય દબાણ આવ્યું હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના ગેરકાયદે ખનન પર ફરી એક વખત ખાણ ખનિજ વિભાગે દરોડો કર્યો હતો જેમાં થાનગઢ તાલુકાના સોનગઢ ગામે આવેલા ખારા નામથી ઓળખાતા સીમ વિસ્તારમાં ચાલતા ઓપન કટીંગ પર રવિવારે સવારે ખનિજ વિભાગની ટીમ ત્રાટકી હતી આ ઓપન કટીંગ પર ખનિજ વિભાગે દરોડો કરી કુલ બે હિટાચી મશીન ગેરકાયદેસર ખોદકામ કરતાં જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ખારા વિસ્તારમાં લગભગ પાંચેક ગેરકાયદેસર ઓપન કટીંગ કોલસાની ખાણો ચાલે છે જેમાં માત્ર એક ખાણ પર દરોડો કરાયો હોવાનું સામે આવ્યું હતું અને તેમાંય જે ખાણમાં દરોડો કરાયો તે ખાણમાં હજુ સુધી ખનિજ માફીયાઓ ખોદકામ શરૂ કરી જમીનમાં કોલસા સુધી પહોંચ્યા જ હતા જ્યારે અને તેવામાં ખનિજ વિભાગે દરોડો કર્યો હતો આ તરફ અન્ય ધમધમતી ખાણોમાં કોલસાનો જથ્થો પણ હયાત હોવા છતાં ખનિજ વિભાગે જોઈજનીને આખ આડા કાન કર્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તેવામાં હાલ તો ખનિજ વિભાગે છેલ્લાં અનેક વર્ષોમાં જ્યાં અધિકારી ફરકવા પણ જતા નથી ત્યાં દરોડો કરી પોતાની નીલમ થયેલ આબરૂ બચાવવામાં થોડા અંશે સફળ રહ્યા હોય તેવું ચોક્કસ કહેવામાં જરાય ખોટું નથી. આ તરફ મૂળી સ્થાનિક પોલીસ દ્વારા ખાણ ખનિજ વિભાગને સાથે રાખી દેવપરા વિસ્તારમાં દરોડો કર્યો હતો અહી પણ કૂવા ગાળીને કાઢવામાં આવતા ગેરકાયદેસર કોલસાનો જથ્થો જપ્ત કરી કુલ ત્રણ કૂવા પર દરોડો કર્યો હતો જેમાં ત્રણ ચરખી, છ લોખંડના પાઇપ, એક ટ્રેકટર સહિત આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે આ બંને દરોડામાં એક પણ ખનિજ માફિયાઓના નામ બહાર આવી શક્યા નથી એટલે કે બંને દરોડા બિનવારસી દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
ખાણ ખનિજ વિભાગની કામગીરી પર શંકા ?
થાનગઢ પંથકના સોનગઢ ગામે છેલ્લા કેટલાય સમયથી રાજકીય વગ ધરાવતા ખનિજ માફીયાઓ ઓપન કટીંગ કોલસાનું ખનન કરી રહ્યા છે અહી લગભગ પાંચેક જેટલી ખાણો દિવસ રાત ધમધમે છે જેમાં રવિવારે સવારે ખનિજ વિભાગે દરોડો કરી માત્ર એક ખાણ પર કાર્યવાહી કરી હતી અને અન્ય ગેરકાયદે ખાણો હજુય ધમધમી રહી છે જેથી સ્પષ્ટ રીતે ખનિજ વિભાગની ટીમની કામગીરી પર પણ શંકા ઉપજે તેવી છે.
ખારા વિસ્તારમાં ખનિજ વિભાગ દરોડો કરી ઉભુ ભરાયું !
- Advertisement -
સોનગઢ ગામે ખારા સીમ વિસ્તારમાં ખનિજ વિભાગે કોલસાના ઓપન કટિંગ ખાણમાં દરોડો તો કર્યો હતો પરંતુ બાદમાં રાજકીય લાગવગ ધરાવતા ખનિજ માફિયાઓના ફોન રણકતા અંતે અહી દરોડો કરી ખનિજ વિભાગ ઉભુ ભરાયું હોવાનું માલૂમ પાડતાં તુરંત ત્યાંથી કામગીરી પૂર્ણ કરી નીકળી ગયા હતા.”