મહિલાઓએ બહાર નીકળવું મુશ્કેલ બન્યું: દારૂડીયાઓ રસ્તા પર પડ્યા પાથર્યા રહેતા સ્થાનિકોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેમ વારંવાર દારૂ પીનારા અને વેચનારાં મોટી સંખ્યામાં ઝડપાતા હોય તેવી ઘટનાઓ રોજિંદી બની ચુકી છે. ત્યારે હવે રહેણાંક સોસાયટીમાં દારૂડિયાઓ નશો કરીને સ્થાનિકોને હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય દર્શિતા શાહનાં વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ વધ્યો છે. રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓ ગમે ત્યાં સુઈ જાય છે, અને ઘરમાં ઘુસી રૂપિયાની માંગ પણ કરતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. અને તાત્કાલિક આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
- Advertisement -
આ વિસ્તારમાં રહેતા જિજ્ઞાબેન ખેતાણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘણા સમયથી એક જ મુશ્કેલી છે કે, દારૂડિયાઓ દારૂ પીને સોસાયટીનાં મેઈન રોડ કે શેરી સહિતનાં સ્થળે ગમેત્યાં સુઈ જાય છે. તેઓ અર્ધનગ્ન હાલતમાં હોવાથી ઉઠાડતા પણ અમને શરમ આવે તેવું હોય છે. આ સ્થિતિમાં પણ અમે જો તેને ઉભા કરવાનો પ્રયાસ કરીએ તો જેમફાવે તેમ ગાળો બોલે છે. ગતવર્ષે દારૂડિયાઓ દરવાજો ખખડાવી દારૂ પીવા માટે રૂપિયા માંગતા હોવાનો વિડીયો શેર કર્યો હતો. જેને કારણે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. અને સમસ્યા હળવી થઈ હતી. જોકે ફરી પોલીસ પેટ્રોલિંગ ઘડવામાં આવતા એ જ પરિસ્થિતિ થઈ રહી છે. જેને કારણે સાંજ પછી મહિલાઓનું બહાર નીકળવું મુશ્કેલ બને છે. સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય સોસાયટીનાં બધા ફંક્શનમાં આવે છે. તેમને પણ ઘણીવાર રજુઆત કરવામાં આવી ચૂકી છે. પણ એમનાથી કાંઈ થતું નથી. જયંતિભાઈ ગોહેલ નામનાં સ્થાનિકે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સાંજનાં સમયે દારૂડિયાઓ આંટાફેરા કરતા હોય છે. શેરી નંબર 3માં હિન્દીભાષી લોકોનો પણ ત્રાસ વધી રહ્યો છે. જેના કારણે અમારી બહેન દીકરીઓ નીકળે ત્યારે તકલીફ પડે છે. દારૂડિયાઓને ચાલવાની પણ ભાન હોતી નથી. જ્યાં ત્યાં પડી જાય છે અને તેઓ પડ્યા હોય તો તેને કાંઈ કહેવાતું પણ નથી. અનેકવાર આ અંગે રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. સ્થાનિક પોલીસ આવી હતી અને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. બાદમાં થોડો સમય પરિસ્થિતિ સામાન્ય બની હતી. જોકે હાલ ફરીથી પેટ્રોલિંગ ઘટતા એ જ મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તે જરૂરી બન્યું છે. અમારી સ્પષ્ટ માંગ છે કે, સાંજથી લઈ રાત સુધી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે. અને અમને દારૂડિયાઓનાં આ ત્રાસથી મુક્ત કરાવે તે જરૂરી છે. કોર્પોરેટરો અને ખકઅ સાથ સહકાર આપે જ છે. પણ મીડિયાનાં માધ્યમથી આ રજુઆત બાદ તેઓ આ બાબતે વધુ સતર્ક બને તે અપીલ કરીએ છીએ. અહીં દારૂ વેચાય છે તે ક્યાં બને છે અને કોણ વેચે છે તે બધાને ખબર હોવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ સોસાયટીનાં પ્રતિનિધિઓ દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં રજુઆત પણ કરવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવતા સ્થિતિ સામાન્ય થઈ હતી. પણ ફરીથી દારૂડિયાઓનો ત્રાસ વધ્યો છે.