ગેરકાયદે કોલસામાં ભેળસેળ કરી કાયદેસર બનાવવાનું મસમોટું કૌભાંડ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં કોલસાનો સૌથી મોટો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે અહી તંત્રના તમામ અધિકારીઓને જાણ હોવા છતાં અજાણ બનવાનું નાટક કરી રહ્યા છે પરંતુ થાનગઢ પંથકના સોનગઢ ખાતે ખારા તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાંથી ઓપન કટીંગ ખાણમાં નીકળતો કોલસો છેક મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચે છે અહી થાનગઢના ગેરકાયદે કોલસાને કાયદેસર બનાવવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં થાનગઢ ખાતેથી દરરોજના 20, 25 કે તેથી વધુ વાહનોમાં ગેરકાયદે કોલસાને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ખાતે લઈ જવામાં આવે છે અને આ ગેરકાયદે કોલસામાં અન્ય કોલસો ભેળસેળ કરવાનું કામ પણ થાય છે જોકે અગાઉ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા કોલસામાં થતાં ભેળસેળના કૌભાંડને ઉજાગર કર્યું હતું. પરંતુ આ પ્રકારના કૌભાંડ હજુય ચાલે છે. જેમાં અન્ય દેશોમાંથી આવતો કોલસાને થાનગઢના કોલસા સાથે ભેળસેળ કરી કાયદેસર બનાવી બાદમાં એક નામચીન કંપની સુધી આ ભેળસેળીયો કોલસો પહોચાડાય છે. જ્યારે આ કોલસાને ભેળસેળ કરવા માટે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આખુંય કારખાનું ઉભુ કરવામાં આવ્યું છે જેમાં થાનગઢના કોલસાના નાના ટુકડા કરી તેમાં વિદેશી કોલસા સાથે મિક્ષ કરાય છે ત્યારે આ આખાય પ્રકરણથી તંત્ર અજાણ છે કે નહિ ? તેનો જવાબ માત્ર તંત્રના અધિકારીઓ પાસે જ જાણી શકાય પરંતુ દરરોજ 60થી વધુ ટ્રકો આ પ્રકારે ભેળસેળ કરી કૌભાંડ કરતા ખનિજ માફીયાઓ લાખોની કમાણી અને ગુજરાત સરકારની તિજોરી લાખોનું નુકશાન પહોચાડી રહ્યા છે.