કમ્પાઉન્ડ વોલનું કામ પૂર્ણ થાય તે પૂર્વે જ ભ્રષ્ટાચારે દેખા દીધી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામ અર્થે ખરીદી રૂપિયાની ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે પરંતુ આ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર પણ પોતાનો ભાગ યોગ્ય રીતે ભજવે છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા જોગાસર ગણપતિ મંદિરને ફરવા લાયક પર્યટક સ્થળ બનાવવા માટે નગરપાલિકાને આશરે 3.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતું જેમાં મંદિરના પ્રંગળમાં બગીચો વિકસાવવા સાથે મંદિરની કમ્પાઉન્ડ વોલ, બાળકોને રમત ગમતના સાધનો તથા સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા અંગેનો ખર્ચ કરવાનો હતો જેમાં મંદિરના પટાંગણમાં વિકાસ કરવાની તો દૂર પણ અહી મંદિરના ફરતે કમ્પાઉન્ડ વોલમાં જ ભ્રષ્ટાચાર નજરે પડ્યો છે. જેમાં અગાઉ બનાવેલ કમ્પાઉન્ડ વોલ પર નવી દીવાલ બનાવતા જૂની દીવાલ નીચેથી સરી પડી હતી.
- Advertisement -
જૂની દીવાલો પર વધુ પડતો વજન આવતા અને જૂની દીવાલ પર કોઈપણ પ્રકારનું સમારકામ કર્યા વગર જ ઉપરથી નવી દીવાલ કરતા નીચેની દીવાલ પર તિરાડો અને ગાબડા પાડી ગયા છે. જ્યારે જૂની દીવાલની આવળદા લગભગ વધુમાં વધુ ત્રણેક વર્ષ ગણી શકાય તેવામાં જો આગામી સમયમાં આ જૂની દીવાલ ધરાસાહી થાય એટલે ઉપર બનાવેલ નવી દીવાલ પણ નીચે પટકાય જેથી કમ્પાઉન્ડ વોલ માં કરેલ ખર્ચ પાણીમાં જાય તેવી સ્થિતિ ઉદભવ થાય તેમ છે. જોકે આ સિવાય પટાંગણમાં પેવર બ્લોક કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની અગાઉ રજૂઆત થઈ હતી પરંતુ વહીવટીયા ખેલમાં પાલિકા તંત્રની આખો આડે ભ્રષ્ટાચારના પત્તા લગાવેલા હોવાથી નગરપાલિકા તંત્રને ભ્રષ્ટાચાર દેખાતો નથી. તેવામાં નગરપાલિકા તંત્રે હવે મંદિરના વિકાસ કાર્યમાં પણ ભ્રષ્ટાચાર કરવાનું છોડ્યું નહી હોવાથી પાલિકાએ તો ભગવાનને પણ ન છોડ્યા તેવું કહેવામાં જરાય ખોટું નથી.