પાકિસ્તાનના કરાચીના જૂના ગોલીમાર વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાનઘાટમાં વર્ષોથી અસ્થિ કળશોમાં રાખેલી 400 હિન્દુ મૃતકોનાં અસ્થિ સોમવારે (3 ફેબ્રુઆરી)એ અમૃતસરમાં વાઘા-અટારી બોર્ડરના રસ્તે ભારત પહોંચ્યાં. આ અસ્થિ લગભગ 8 વર્ષથી સ્મશાનમાં રાખવામાં આવ્યા હતા. પરિવાર તેને ગંગામાં વિસર્જન કરવાની રાહ જોઈ રહ્યો હતો. મહાકુંભ યોગમાં ભારતના વિઝા મળ્યા બાદ, રવિવારે (2 ફેબ્રુઆરી) કરાચીના શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં એક ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. આ પછી, પરિવારે અસ્થિને અંતિમ વિદાય આપી, જેથી તેમને મોક્ષ માટે ગંગામાં વિસર્જિત કરી શકાય. અગાઉ, બુધવારે (29 જાન્યુઆરી)એ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂના કરાચીના ગોલીમાર સ્મશાનઘાટ પહોંચ્યા હતા, જ્યાં અસ્થિવાળા કળશ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. જે પરિવારોને પોતાના પ્રિયજનોના અસ્થિ હરિદ્વારમાં વિસર્જન કરવા હતા, તેઓ સ્મશાનઘાટ પહોંચ્યા, કારણ કે ભારતમાં અસ્થિ વિસર્જન માટે સ્મશાનઘાટની સ્લિપ અને મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર ફરજિયાત હતું.