ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના બખરલા ગામમાં ગઇકાલ રાત્રે એક હચમચાવી નાખે તેવી હત્યાની ઘટના બની હતી. કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી માલદેભાઈ ખુંટીની ચાકૂના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી. આ હત્યાના આરોપી તરીકે ગામના સંજય દેવશી ઉર્ફે ભાણીયો ઓડેદરા અને તેના સાગરીત સામે પોલીસમાં ગુનો નોંધાયો છે. ફરિયાદી મંજુબેનના જણાવ્યા મુજબ, મેરામણભાઈ ગઇકાલ રાત્રે પોણા આઠ વાગ્યે ઘરેથી બીડી લેવા નીકળ્યા હતા. થોડા સમય બાદ, ગામના દૂધ ડેરીવાળા નીલેષભાઈએ મંજુબેનને જાણ કરી કે મેરામણભાઈ ચોકમાં સંજય અને તેની સાથેના એક શખ્સ સાથે ઝગડી રહ્યા છે.
પત્ની તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, તો શંકરમંદિર પાસે મેરામણભાઈ લોહીથી લથબથ હાલતમાં પડ્યા હતા. તે જ સમયે સંજય અને તેનો સાગરીત ચાકૂ સાથે ઉભા હતા, પરંતુ મંજુબેનને જોઈને બંને ત્યાંથી ભાગી છૂટ્યા. પરિવારજનોએ જણાવ્યું કે, મેરામણ અને સંજય વચ્ચે છ મહિના પહેલા બોલાચાલી થઈ હતી.
- Advertisement -
આ વિવાદ બાદ સંજય મેરામણભાઈને વારંવાર ધમકીઓ આપતો હતો. ગઇકાલે સંજય અને તેના સાગરીતે જૂના વિવાદનો બદલો લેવા મેરામણભાઈ પર હુમલો કર્યો અને છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરી.બખરલા ગામમાં હત્યાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી. 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ, પરંતુ તબીબોએ મેરામણભાઈને મૃત જાહેર કર્યા. પોલીસે બગવદર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), 54 અને જી.પી.એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી, આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ હત્યાનું રહસ્ય આરોપીઓ ઝડપાય ત્યારે જ સંપૂર્ણ રીતે ખુલશે.
અર્જુન મોઢવાડિયાના ટેકેદાર મૂળુ મોઢવાડિયા હત્યા કેસમાં પણ મેરામણ લંગીની સંડોવણી ખુલી હતી
કુખ્યાત મેરામણ લંગી ખુંટી પર ગુનાઓની કાળો છાયો
મેરામણ ઉર્ફે લંગી ખુંટી પોરબંદર-જામનગરના અંડરવર્લ્ડ ગેંગ્સ સાથે સંકળાયેલો હતો. તેના પર 4 હત્યા, 2 હત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુનાઓ નોંધાયા હતા. મેરામણનું નામ પ્રખ્યાત ભીમા દુલા ઓડેદરા ગેંગ સાથે પણ જોડાયું હતું. અર્જુન મોઢવાડિયાના ટેકેદાર મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં પણ તેની સંડોવણી સામે આવી હતી.