ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના ગરેજ ગામ પાસે વહેતી ભાદર નદીમાં અસંખ્ય માછલાંઓના અચાનક અને શંકાસ્પદ મોતના સમાચારથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ છે. શંકા વ્યક્ત થઈ રહી છે કે કોઈ અજાણ્યા શખ્સોએ નદીના પાણીમાં ઝેરી પદાર્થ છોડી દીધો હશે, જેના કારણે માછલાંઓ મૃત્યુ પામ્યા. ભાદર નદીનું પાણી સ્થાનિક ખેડૂતો માટે સિંચાઈનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. માછલાંઓના મરણ બાદ ખેડૂતોમાં ભય વ્યાપી ગયો છે કે આ પાણી વાવેતરમાં ઉપયોગ કરવા યોગ્ય છે કે નહીં. ગ્રામજનો અને ખેડૂતોએ તંત્ર પાસે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે, જેથી આ ઘટનાની પાછળનું સાચું કારણ બહાર આવે. ગાંધીભૂમિ પોરબંદરમાં જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈને વિવાદો ચાલી રહ્યા છે. તે જ વચ્ચે એક જૂનો મુદ્દો ફરી સામે આવ્યો છે-જેતપુરના સાડી ઉદ્યોગો પર ભાદર નદીમાં અને તળાવોમાં પ્રદૂષિત પાણી છોડવાનો આક્ષેપ. જો કે, આ નવી ઘટનાને તે સાથે કોઈ સીધી કડી છે કે નહીં, તે હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક લોકોને આશંકા છે કે નદીમાં છોડાયેલા ઝેરી પદાર્થને કારણે માછલાંઓના મોત થયા છે. જો આ શંકા સાચી નીકળે, તો તે માત્ર માછલીઓ નહીં, પણ આસપાસના પર્યાવરણ અને પીવાના પાણી માટે પણ ખતરો બની શકે. ગ્રામજનો અને ખેડૂતોએ તંત્રને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને ભાદર નદીના પાણીની ગુણવત્તાની તપાસ કરવાની માંગ કરી છે. હાલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ માછલાંઓના અચાનક મોત પાછળનું સાચું કારણ બહાર આવે અને આવનારી સમસ્યાઓ અટકાવવામાં આવે, તે જરૂરી બની ગયું છે.