ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
રવિવારે 76માં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો ત્યાં મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. જેમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો. આ વખતે ગણતંત્ર દિવસની થીમ ’ગોલ્ડન ઈન્ડિયા: હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ’ છે.પરેડની શરૂઆત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. 300 કલાકારોએ સંગીતનાં સાધનો વગાડી પરેડ કાઢી હતી. ત્યારબાદ ઈન્ડોનેશિયાના સૈન્ય કર્મચારીઓની ટુકડી કર્તવ્ય પથ પરેડિંગ પર પસાર થઈ હતી. ભારતીય સેનાના જવાનોએ ભીષ્મ ટેન્ક, પિનાકા મલ્ટી લોન્ચર રોકેટ સિસ્ટમ સાથે કૂચ કરી. એરફોર્સ ફ્લાયપાસ્ટમાં 40 વિમાનોએ ભાગ લીધો હતો. જેમાં 22 ફાઈટર જેટ, 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 7 હેલિકોપ્ટર સામેલ હતા. અપાચે, રાફેલ અને ગ્લોબ માસ્ટર આ ફ્લાય પાસ્ટનો ભાગ હતા. પરેડમાં 15 રાજ્યો અને 16 મંત્રાલયોની ઝાંખીઓ જોવા મળી હતી. પ્રથમ વખત, 5 હજાર કલાકારોએ કર્તવ્ય પથ પર એક સાથે રજૂઆત કરી.



