સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તંત્ર એલર્ટ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. 16 ફેબ્રુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલિપસિંહ ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમ અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા મુજબ, કોઈ પણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યક્તિઓ દ્વારા ધ્વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ કે અન્ય પ્રચારના સાધનો બોર્ડ વગેરે માટે જાહેર સ્થળોએ, ખાનગી માલિકીની મિલકતો માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે વિસ્તારમાં હોર્ડીંગ્સ, કટઆઉટ વગેરે મુકેલા હોય તે વિસ્તારના ઉમેદવારના ચૂંટણીખર્ચના હિસાબોમાં યોગ્ય જગ્યાએ દર્શાવવાનો રહેશે. ખાનગી માલિકીની મિલકતો, સરકારી, મ્યુનિસિપાલિટી, કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે હસ્તકની જગ્યાઓ (કોન્ટ્રાક્ટથી આપેલી જગ્યાઓ હશે તો પણ) સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા વિના મૂકી શકાશે નહીં.
જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સૂત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં હાજરી આપવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણી પ્રક્રિયામા હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ આકારે જવું નહીં.
ખાનગી સ્થળોએ માલિકની પરવાનગી સિવાય જાહેર તથા ખાનગી મિલકત ઉપર ચૂંટણીલક્ષી પ્રચાર પત્રો ચોંટાડીને સૂત્રો લખીને દિવાલ બગાડવી નહીં, તેમજ ધ્વજદંડ કે બેનર કે હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવા નહીં કે પરવાનગી વગર ઉપયોગ કરવો નહીં. જાહેર મકાન જેવા મિલકત, ધોરીમાર્ગ પર અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઇન બોર્ડ, માઇલ સ્ટોન, રેલવે ફાટક વગેરે પર ચેતવણી નોટિસ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મીનલ્સના બોર્ડ તેમજ જાહેર જનતાની સગવડ માટે પ્રદર્શીત કરેલા હોય તેવા બોર્ડનો સમાવેશ થાય છે. એક પક્ષે જ્યાં સભા યોજી હોય ત્યાં બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં, પક્ષના ચોપાનીયા વહેંચીને ખલેલ પહોંચાડવી નહીં. એક પક્ષે બહાર પાડેલા ભીતચિંત્રો બીજા પક્ષના કાર્યકરોએ દૂર કરવા નહીં. સભા મીટીંગ કે રેલી રાખી હોય તે સ્થળની અંદર સભા, મીટીંગ સમય દરમિયાન જ બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ પોસ્ટર્સ પ્રદર્શિત કરી શકાશે.