પૂરતું વળતરનો વિણવાસ અપાવ્યા વગર વીજ પોલ નાખવાની કામગીરી અટકાવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતા વિજપોલની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તેવામાં લીમડી તાલુકામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરેલ પાકને નુકશાન પહોચાડી કંપની દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે વિરોધ નોંધાવી તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું. જે અંગે જાણવા મળતી વિગતો અનુસાર લીમડી તાલુકાના ઘનશ્યામપુરા, જનશાળી, બળોલ સહિતના ગામોમાં પાવર ગ્રીડ નામની ખાનગી કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરાઇ હતી પરંતુ અહી ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને મોટું નુકશાન પહોચાડી આ કંપની દ્વારા મનમાની કરતા અને ખેડૂતોને યોગ્ય વળતર નહિ ચૂકવતા હોવાના આક્ષેપ સાથે કંપનીના કામને બંધ કરાવ્યું હતું. જોકે ખાનગી કંપની સાથે પોલીસ પ્રોટેક્શન હોવાથી અણબનાવ બન્યો ન હતો પરંતુ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઇ કોઈપણ હાલતે વીજપોલ નાખવાનું કામ શરૂ નહિ કરવા દેવાનું જણાવ્યું હતું જેમાં કંપની જ્યારે ખેડૂતોની માંગ સ્વીકારશે ત્યારબાદ વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરવા દેવા માટેનો નિર્ણય ખેડૂતો દ્વારા લેવાયો છે.