રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયભરમાં આજથી પ્રારંભ થયેલ ‘‘પાંચ વર્ષ, આપણી સરકારના-સૌના સાથ, સૌના વિકાસના’’ કાર્યક્રમની શૃંખલા અન્વયે રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓમાં ‘‘જ્ઞાનશક્તિ દિવસ’’નું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અન્વયે રૂ. ૧૦૯.૫૨ લાખના ખર્ચે રાજકોટ જિલ્લામાં આઠ શાળાઓમાં ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી લેબનો શુભારંભ કરાયો હતો.
રાજકોટ જિલ્લાના ચાર તાલુકાની આઠ શાળાઓમાં ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી લેબનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગોંડલ તાલુકાના મોટા દડવા, જામકંડોરણા તાલુકાના દડવા અને રાયડી, જસદણ તાલુકાના જસદણ શહેરમાં તેમજ વિંછીંયા તાલુકામાં અજમેર, ઢેઢુકી, ગુંદાળા અને હાથસણી ગામનો સમાવેશ થાય છે. પ્રત્યેક શાળા દિઠ રૂ. ૧૩.૬૯ લાખ લેખે રૂપિયા ૧૦૯.૫૨ લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેમાં ૧૦ કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, ટી.વી., ૧૨ કોમ્પ્યુટર ટેબલ, પ્લાસ્ટીકની ખુરશી જેવી વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે આ શાળાઓના વિદ્યાર્થીઓ પણ આજના ટેકનોલોજીના યુગમાં સમય સાથે કદમથી કદમ મિલાવી આગળ વધી શકશે.