પોરબંદરમાં ખનિજ માફીયાઓ બેફામ
સરકારી વાહનને પાંચથી છ ગાડીના કાફલાએ રોકી અવરોધ ઉભો કર્યો બનાવના છ દિવસ પછી નોંધાવી ફરિયાદ
સામાન્ય ગુનેગારો પર લાલ આંખ કરતી પોરબંદર પોલીસ સરકારી અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરતા ઈસમોને કાયદાનો પાઠ ભણાવશે..?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના બળેજ ગામે ખનીજમાફિયાઓ દ્વારા અવારનવાર મોટાપાયે ખનીજચોરી કરવાની સાથોસાથ ખાણખનીજ ખાતાના અધિકારીઓને પણ દાદ દીધા વગર મનમાની ચલાવવામાં આવે છે ત્યારે મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની ફરજમાં રૂકાવટ કર્યાનો વધુ એક ગુન્હો પોલીસ ચોપડે નોંધાયો છે.
બનાવના છ દિવસ પછી ભુસ્તરશાસ્ત્રીએ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી મિતેશ મોતીરામ મોદીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા.28-12ના બળેજ ગામે સવારે સવાદસ વાગ્યે તેમની ફરજમાં રૂકાવટ થઇ છે જેમાં વિસ્તૃત વિગત એવી છે કે બળેજ ગામે કેશુ તથા ગાંગા કારા કડછા, ભરત હરદાસ પરમાર અને ચના ઉર્ફે સતીષ મુર્છાર,નાગાજણ ઓડેદરાએ બિનઅધિકૃત રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજના ખનન, વહન અને સંગ્રહમાં ઉપયોગમાં લીધેલા 6 પથ્થર કટિંગ મશીન, ત્રણ ટ્રેકટર અને 3 જનરેટર મશીનો સાથે મળી આવ્યા હતા જેને મિતેશ મોદીએ સીઝ કરવા માટે કાર્યવાહી કરી હતી પરંતુ આ મશીનરી સીઝ કરવા દેવાના બદલે નાગાજણ ઓડેદરા નામના ઇસમે ટ્રેકટરોના ટાયરની હવા કાઢીને તેના વાલ્વ કાઢી નાખ્યા હતા
- Advertisement -
તેમજ ટ્રેકટર ચાલુ કરવા માટેની સેલ્ફ સ્ટાર્ટ કરવાની બેટરી કાઢી નાખી હતી અને ડિઝલના પાઇપને પણ કાપી નાખ્યા હતા. આ રીતે મશીન અને વાહનો સીઝ કરવાની કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો હતો. એટલુ જ નહી પરંતુ આરોપી ભરત હરદાસ પરમારે સીલ્વર રંગની કારમાં આવી બનાવ વાળી જગ્યાની બહાર નીકળતા હતા ત્યારે મિતેશ મોદી અને તેમની ટીમની સરકારી ગાડીને રોકી તેની પાછળ અન્ય પાંચથી છ ફોર વ્હીલનો કાફલો આવી પહોંચ્યો હતો અને સરકારી ગાડીનો રસ્તો રોકી ગેરકાયદેસર અવરોધ ઉભા કર્યા હતા. એટલુ જ નહીં પરંતુ ‘મશીનો છોડી દો નહીંતર સ્થળ પરથી જવા દેશુ નહી’ની ધમકી આપી હતી અને ફરિયાદી મિતેશ મોદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં ખાણમાફિયાઓ અવારનવાર મનમાની ચલાવીને ખાણખનીજ ખાતાને પણ દાદ દેતા નથી ત્યારે પોરબંદરમાં કડક પોલીસ અમલદારની છાપ ધરાવતા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા જે રીતે સામાન્ય ગુન્હેગારોના સરઘસ કઢાવે છે તે જ રીતે ખાણમાફિયાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની હિંમત દાખવે છે કે કેમ? તે તો આવનારો સમય બતાવશે. બીફોર અને આફટરની શોખીન પોરબંદર પોલીસ ખાણમાફિયાઓને પકડીને તેમના વીડિયો વાયરલ કરશે કે કેમ? તેવી ચર્ચાઓએ હાલ શહેરભરમાં જોર પકડ્યું છે.
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પત્રકારોનો ફોન ઉપાડવાથી કેમ ડરે છે..?
પોરબંદર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આમ તો કોઈ ખાસ કાર્યવાહી કરતા નથી તેમાં પણ મોટા ભાગના અધિકારીઓ સરકારી વેતન લઈ અને પોતાની ફરજ પર સમયસર આવતા નથી અને જ્યારે કયારે પણ કોઈ ખનીજચોરી ઝડપાય ત્યારે તે બાબતે વિગતો લેવા માટે પત્રકારો અધિકારીઓને ફોન કરે છે ત્યારે તેમના દ્વારા કોઈ પ્રત્યુત્તર મળતા નથી જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ એવા તો ક્યાં કામમાં વ્યસ્ત હોય છે જેથી સામાન્ય અરજદારો થી માંડી કોઈના ફોન ઉપાડી શકતા નથી..?
6 દિવસ પહેલાં ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદી પર લાંચ માંગવાના આરોપો લાગ્યા હતા
પોરબંદર ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મનીરામ મોદી પર બળેજ ગામમાંથી લાખો રૂપિયાના હપ્તાઓ માંગવાના આરોપો લાગ્યા હતા. બળેજ ગામના માલદે પરમારે જીલ્લા કલેકટર, અઈઇ તેમજ માધવપુર પોલીસ મથકે અધિકારી વિરૂદ્ધ લાંચ માંગવાના આરોપ સાથે અરજી કરવામાં આવી હતી.