પાણી, લાઈટ અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા હજુય ખાડે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતના 9 શહેરોને મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા છે જેથી આ તમામ શહેરોમાં રહેતા રહીશોને હવે વિકાસનો લાભ મળશે તેવું કહેવાય છે પરંતુ વાત કરીએ સુરેન્દ્રનગરની તો અહીં વિકાસ માત્ર કાગળ પર હોય તે પ્રકારનું દૃશ્ય હલ નજરે પડી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા પૂર્વે શહેરની હાલત ખુબ જ દયનીય હોય તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તે પૂર્વે સુરેન્દ્રનગર – દુધરેજ – વઢવાણ સંયુક્ત નગરપાલિકા હતી જેમાં નગરપાલિકાની હદમાં આવતા દુધરેજ બ્રિજથી છેક બહુચર હોટેલ સુધીનો રોડ છેલા કેટલાય સમયથી બિસ્માર છે આ સાથે સુરેન્દ્રનગર શહેરની હદમાં અનેક વિસ્તાર એવા પણ છે જ્યાં આજદિન સુધી ભરશિયાળે રહીશોને પાણી માટે વલખા મારવા પડે છે વળી મુખ્ય બજારમાં રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ તો ઠીક નહીંતર આખી રાત અંધારપટ જેવો માહોલ જોવા મળે છે એટલે કે અત્યાર સુધી સુરેન્દ્રનગર ભગવાન ભરોસે ચાલતું હતું છતાં મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવાયો છે. પરંતુ સુરેન્દ્રનગરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરીજનો વિકાસ થશે અને પ્રાથમિક સુવિધા મળશે તેવી આશા લગાવીને બેઠા છે.