મહાનગરપાલિકાને કેબિનેટમાં મંજૂરી મળતા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
રાજ્યમાં કુલ મહાનગરપાલિકાના હવે વધુ 9 મહાનગરપાલિકાનો ઉમેરો થયો છે. જેમાં નવસારી, વાપી, મહેસાણા, આણંદ, નડિયાદ, પોરબંદર, સુરેન્દ્રનગર ગાંધીધામ, તથા મોરબીનો સમાવેશ થાય છે તેવામાં હાલ સુરેન્દ્રનગર – વઢવાણ – દુધરેજ નગરપાલિકાનો દરજ્જો હવે પૂર્ણ થઈને તેને પણ મહા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. ત્યારે સુરેન્દ્રનગર મહા નગરપાલિકા માટેની પ્રક્રિયાને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે અને મજૂરી મળતા મહા નગરપાલિકા બનવા માટે ટૂંક સમયમાં જાહેરાત પણ થાય તેવી શક્યતાઓ નજરે પડે છે. ત્યારે નગરપાલિકામાંથી મહા નગરપાલિકા બનવા માટે કેટલાક નવા નિયમો પણ લાદવામાં આવશે જેથી હાલ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલીકામાં વર્તમાન શાસન પૂર્ણ કરી આગામી સમયમાં નવા સીમાંકન સાથે ચૂંટણીનું પણ આયોજન થશે આ સાથે અહીં મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે જી.એચ.સોલંકીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.
- Advertisement -
જ્યારે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વિસ્તારમાં પણ વિવિધ ક્ષેત્રે મહા નગરપાલિકાના દરજ્જા માટેની જે પણ જોગવાઈ હશે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે આ સાથે મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગરનો સમાવેશ થયા વિકાસ પણ ઝડપથી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી સ્થાનિકોને પ્રાથમિક સુવિધા જેવા કે લાઇટ પાણી અને રોડ રસ્તાં માટે પડતી તકલીફો પર પૂરતું ધ્યાન આપી તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાન પ્રયત્નો હાથ ધરશે. જોકે મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે ખરેખર મહા નગરપાલિકા જેવી વાતાવરણ અને વિકાસ હોવો જરૂરી છે પરંતુ અહીં તો સત્તાના જોરે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા તરીકે ધરાર ઠોકી બેસાડવામાં આવી છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુય કેટલાક વિસ્તારોમાં આજેય રહીશો પાણી, લાઈટ અને રસ્તા માટે નગરપાલિકાના ધક્કા ખાઈ રહ્યા છે. સાથે જ નગરપાલિકાના વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ગંજ અને ઉકરડાઓ નજરે પડે છે છતાં પણ સુરેન્દ્રનગર પાલિકા જો મહાનગરપાલિકા તરીકે જાહેર થાય તો થોડા અંશે સુધાર થશે તેવી સ્થાનિકોને આશા બંધાઈ છે.



