સંપૂર્ણ રાજકીય સન્માન – તમામ નેતાઓની હાજરીમાં અંતિમ સંસ્કાર
સવારે કોંગ્રેસ વડામથકે અંતિમ દર્શનાર્થે રખાયા બાદ બોધઘાટ પર અંતિમ સંસ્કાર : રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કોંગ્રેસ પ્રમુખ, રાહુલ – પ્રિયંકા ગાંધી સહીતનાં નેતાઓની પુષ્પાંજલી
- Advertisement -
દેશના પૂર્વ વડાપ્રધાન તથા ભારતીય આર્થિક સુધારા-ઉદારીકરણનાં શિલ્પી ડો.મનમોહનસિંહના નિધન બાદ આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે કોંગ્રેસ કાર્યાલયે પાર્થિવ દેહને રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી સહીતનાં નેતાઓએ હાજરી આપી હતી.
ડો.મનમોહનસિંહના પાર્થિવ શરીરને આજે સવારે કોંગ્રેસ વડામથકે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યું હતું અને ત્યાંથી અંતિમયાત્રા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વગેરેએ ફુલહાર કરીને અંતિમ દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસ સહીતનાં રાજકીય નેતાઓ, આગેવાનો, કાર્યકરો અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
નિગમ બોધઘાટ ખાતે અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત નેતાઓ-કાર્યકરો સહીત લાખો દેશવાસીઓની આંખો ભીની થઈ હતી. 21 તોપની સલામી સાથે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેઓનાં અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્રણ દાયકાથી વધુની રાજકીય કારકીર્દી તથા સળંગ 10 વર્ષ સુધી વડાપ્રધાનપદે રહેલા ડો.મનમોહનસિંહનું ગુરૂવારે રાત્રે એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ હતું તેને પગલે સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
- Advertisement -
દેશમાં સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો. પ્રખર અર્થશાસ્ત્રી એવા ડો.મનમોહનસિંહ રિઝર્વ બેન્કનાં ગવર્નરથી માંડીને વડાપ્રધાન પદ સુધી રહી ચુકયા હતા અને આર્થિક સુધારા સાથે ભારતીય અર્થતંત્રને વૈશ્વિક દિશામાં મુકવાનો પાયો નાખ્યો અને નબળા પડી ગયેલા અર્થતંત્રને પાટા પર ચડાવી દીધુ હતું. ડો.મનમોહનસિંહના અંતિમ સંસ્કાર અંતિમ દર્શનમાં રાષ્ટ્રપતિ ડો.દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સહીત તમામ કેબીનેટ પ્રધાનો-નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.




