સિગારેટના ગેરકાનૂની વ્યાપારથી જ સરકારને વર્ષે રૂા.21000 કરોડની વેરા નુકસાની
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
- Advertisement -
દેશમાં 2017માં દાખલ કરાયેલા ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષમાં તમામ પ્રકારની ઉત્પાદન સેવાની કાર્યવાહી ઓનલાઈન નિશ્ચિત કર્યા બાદ સરકારે ઉત્પાદનની હેરફેરમાં પણ ઈ-ચાલાન અને ઈ-ઈન્વોસ દાખલ કર્યા છે છતાં પણ વ્યાપક રીતે કરચોરી થાય છે અને ઉત્પાદનો જેમાં વ્યાપક બેનંબરી ઉત્પાદન-વેચાણ છે તેને શોધવા હવે પ્રથમ વખત જીએસટી વિભાગ ટ્રેક એન્ડ ટ્રેસ ઓનલાઈન સીસ્ટમ અપનાવશે.
આમ કોઈપણ ફેકટરી કે મોટા એકમો જે કાચા માલની ખરીદી થાય છે ત્યાંથી શરૂ કરી તેના તૈયાર ઉત્પાદનો પર જીએસટી વિભાગ ખાસ મોનેટરીંગ સીસ્ટમનો ઉપયોગ કરીને વાસ્તવિક કરતા ઓછું ઉત્પાદન દર્શાવી બાકીના માલને બેનંબરી ચેનલ મારફત વેચીને જે રીતે મોટી કરચોરી થાય છે તેને આંતરવામાં આવશે.
શનિવારે જેસલમેરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ માટે જીએસટી એકટમાં સુધારાને લીલીઝંડી આપી હતી અને તેના અમલ માટે પણ મંજુરી આપી હતી.
આ પ્રકારે ટ્રેક-ટ્રેસ સીસ્ટમ હેઠળ પહેલા તંબાકુ, સિગારેટ, પાનમસાલાને આવરી લેવાશે. આ પ્રકારના ઉત્પાદનોના પેકેજ પર એક ખાસ આઈડેન્ટી માર્ક હશે. આ માટે જીએસટી વિભાગને કાનૂની સહિતની સતાઓ આપવામાં આવી છે અને પુરી સપ્લાય ચેન સુધી આ ઉત્પાદનોને ટ્રેસ કરી શકાશે. વાસ્તવમાં દેશમાં તંબાકુ ઉદ્યોગમા સૌથી મોટી કરચોરી થતી હોવાનું બહાર આવ્યુ છે.
આ ઉપરાંત રીયલ એસ્ટેટ ઉદ્યોગમાં વપરાતા કાચામાલ, સ્ટીલ અને તેવા મોંઘા ગુડસ, કાર તથા ટ્રકના ટાયર વિ.માં પણ મોટી જીએસટી ચોરી થાય છે પણ તંબાકુ ઉત્પાદનોમાં સિગારેટ, ઈ-સીગારેટ અને પાનમસાલાથી આ સીસ્ટમનો પ્રારંભ થશે.
દેશમાં આ ઉપરાંત મોટા પ્રમાણમાં સિગારેટ, ઈ-સિગારેટ, દાણચોરીથી ઘુસાડાય છે અને એકસાઈઝ વિભાગો તેના મોટા ક્ધસાઈન્મેટ પકડાયા છે. ગત વર્ષે જ રૂા.180 કરોડની કિંમતની 9 કરોડ સિગારેટ જે દાણચોરી મારફત દેશમાં ઘુસાડાયા હતા તે ઝડપવામાં આવી છે. ટોબેકો ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાના એક તારણ મુજબ દેશમાં સિગારેટની દાણચોરીથી જ વર્ષે 21000 કરોડની નુકસાની કેન્દ્ર સરકારને જાય છે.
- Advertisement -
અગાઉ આ પ્રકારની કામગીરી એકસાઈઝ વિભાગને સોંપવાનો વિવાદ કરાયો હતો પણ બાદમાં તેની વ્યાપકતા જોતા અંતે જીએસટી વિભાગને તે કામગીરી સુપ્રત થઈ છે. યુરોપ, અમેરિકા, બ્રિટનમાં આ પ્રકારે ઉત્પાદનો પર ટ્રેક એન્ડ ટ્રેસ વિભાગ અમલી છે અને તેના માટે એક મિકેનીઝમ પણ તૈયાર છે. જે ભારતમાં જીએસટી પ્રણાલીને અનુરૂપ તૈયાર કરાશે.જેમાં પ્રારંભમાં તંબાકુ ઉત્પાદનોને આવરી લેવાયા હોવાથી તમામ ઉત્પાદકો તથા આયાતકારો ઉપરાંત ડિસ્ટ્રીબ્યુટર્સ, ડીલર અને ટ્રાન્સપોર્ટસ જે તંબાકુના ખરીદ-વેચાણ-વહન સાથે સંકળાયેલા છે. તેઓને નોંધવી અને હાલના સમયે જ એક ખાસ આઈડી અપાશે અને તેના આધારે તે જે ઉત્પાદનોની હેરાફેરી કરે છે તે સ્કેનીંગ હેઠળ આવી જશે.સપ્લાયચેનમાં દરેક તબકકે તે સ્કેન થશે. છેક રીટેલ સ્ટેજ સુધી આ પ્રક્રિયા કામ કરશે અને તેના ડેટા ઓટોમેટીક રીતે જીએસટી ટ્રેક-ટ્રેસ પોર્ટલમાં પહોંચી જશે જેથી દાણચોરીના માલની પણ ઓળખ નિશ્ચિત થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ ટોબેકો ઉત્પાદનો બાદ જેમાં જીએસટીની મોટી ચોરી થતી હોય તે ઉત્પાદનો-સેવાઓને પણ આ સીસ્ટમ હેઠળ આવરી લેવાશે.
તમામ ઉત્પાદકો, આયાતકારો, ડિલર્સ, ડીસ્ટ્રીબ્યુટર્સ, ટ્રાન્સપોર્ટસને ખાસ આઈડી અપાશે : તમામ હેરાફેરી સતત ટ્રેસ થશે : છેક રીટેલ સુધી ‘નજર’ રહેશે
બીજા તબકકામાં બાંધકામ ઉદ્યોગને આવરી લેવાશે: ઓટો – ટાયર ઈન્ડસ્ટ્રીઝ પણ સરકારની નજરમાં કરચોરી ડામવાના ખાસ સુધારાને બહાલી