ખ્યાતિકાંડના 40 દિવસે સરકાર જાગી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડના 40 દિવસ બાદ સરકાર જાગી છે. આજે(23 ડિસેમ્બર) નવી SOP જાહેર કરવામાં આવી છે. જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ ટાઇમ કામ કરતાં સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOP માં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેના મુદ્દા નીચે મુજબ છે. આ SOP મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવારૂપે સીડી આપવાની રહેશે. PMJAY યોજનામાં રહેલા છીંડાઓને કારણે ખ્યાતિકાંડ થયો છે. જેથી રાજ્ય સરકારે આ ક્ષતિઓ દૂર કરવા નવી જઘઙ જાહેર કરી છે. આ ક્ષતિઓ અંગે કેન્દ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે. જેથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર રહેલી SOPમાં સુધારા કરશે.
કાર્ડિયોલોજીની સેવાઓ
કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવાં સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સ્ટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ તથા ફિજિયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે.
ખાસ કિસ્સામાં ઇમર્જન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.
હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમર્જન્સી કેસમાં CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
TKR / THR (Total Knee replacement/ Total Hip replacement)
- Advertisement -
આ યોજના હેઠળ TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડિક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી “ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)” ઓછામાં ઓછા 30% “ઓર્થોપેડિક અને પોલીટ્રોમા(અકસ્માત)” કેસોને સારવાર આપવાનું ફરજિયાત કરેલ છે. જેમાં ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે.
હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને “ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)” સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂ. 3.51 કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલી છે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ સંમતિ પત્રક ફરજિયાત
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઇ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે VIDEO રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી), તમામ “”Ectomy” અંતર્ગત સર્જરી (શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી), ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન/ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી, સ્પાઇનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરીની સારવારનો સમાવેશ કરાયો છે.
દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલા લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે.
ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
કેન્સર સારવાર
નિષ્ણાત તબીબોના સૂચન બાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબ યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યૂમર બોર્ડ તરીકે નિર્ણય લઇ TBC (ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ)માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC (ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજિયાત રહેશે.
દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી)માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યૂમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.
કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં.
રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી ક્ધટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.