ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવેલ. તે અંતર્ગત સાંદિપની ઓડીટોરીયમ, પોરબંદર ખાતે જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીએ જિલ્લાના મહેસૂલી અધિકારી તેમજ કર્મચારીઓ માટે રીફેશર તાલીમનો શુભારંભ કરાવ્યો. કલેક્ટર એસ. ડી. ધાનાણીએ તાલીમનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, આ તાલીમથી અધિકારી-કર્મચારીઓ મહેસૂલી કાયદાઓ અને કાર્યપધ્ધતિથી વાકેફ થઇ શકે તે મુળભુત હેતુ છે. પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવે જણાવ્યું કે, રીફેશર તાલીમથી મહેસૂલી કર્મચારીઓ-અધિકારીઓનાં મુઝવતા પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ મળશે. આ તાલીમમાં મહેસૂલી કામગીરીથી સંકળાયેલા વિવિધ વિષયોને આવરી લઈ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા જમીન અને મહેસૂલના વહીવટનો ઇતિહાસ, મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, હક પત્રક અદ્યતન રાખવાની કામગીરી અને જવાબદારીઓ, લેન્ડ રેકર્ડઝ કમ્પ્યુટરાઈઝેશન સહિતનાં વિષયો પર પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત સમજ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમમાં નિવાસી અધિક કલેક્ટર જે બી વદર, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, નાયબ કલેકટર પ્રતીક જાખડ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી વિરલ માકડીયા, જકછ મનીષા ભટ્ટ, જિલ્લાના મામલતદારો, સીટી સર્વે સુપરિટેન્ડન્ટ, ડી.આઇ.એલ.આર., નાયબ મામલતદારો, મહેસુલી કર્મચારીઓ હાજર રહ્યા.