ડેમની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં ખેડૂતો ઉપયોગી લેવાયેલાં નિર્ણયથી ખેડૂતો ખુશ
હિરણ-2 ડેમમાંથી પ્રથમ વખત નવ પાણી આપવાના નિર્ણયને ડેમ હેઠળના 20 ગામના ખેડૂતોએ ઉમળકાભેર વધાવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.19
તાલાલા તાલુકાના ઉમરેઠી ગીર ગામે આવેલ હિરણ-2 ડેમમાંથી ઉનાળુ ફસલ માટે ખેડૂતોને નવ પાણી આપવા સિંચાઈ સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે. ડેમની સિંચાઈ સમિતિના સભ્ય અને ખેડૂત અગ્રણી ડી.બી.સોલંકી એ આપેલ વિગત પ્રમાણે ઉમરેઠી ડેમ હેઠળના તાલાલા-વેરાવળ તાલુકાનાં કેનાલ આધારિત 20 ગામોને ઉનાળુ ફસલ માટે નવ પાણી આપવા સિંચાઈ સમિતિની બેઠકમાં માંગણી કરવામાં આવેલ જેના અંતર્ગત ઉનાળુ ફસલ માટે ડેમમાંથી પ્રથમ વખત નવ પાણી આપવાનો ખેડૂતો માટે અતિ ઉપયોગી નિર્ણય લેવાયો હતો.તાલાલા-વેરાવળ વિસ્તારનાં ડેમની કેનાલની સુવિધા વાળા અંદાજે 20 ગામો આવે છે.
ડેમમાંથી ઉનાળું સિંચાઈ માટે નવ પાણી આપવાના નિર્ણયથી 20 ગામની અંદાજે પાંચ હજાર હેક્ટર ખેતીની જમીનમાં વાવેતર થનાર ઉનાળુ ફસલ જેવી કે શેરડી,મગ,અડદ,બાજરી કેસર કેરીના બગીચા,નાળિયેરી ને ઉનાળાના કપરાં દિવસોમાં સિંચાઈ માટે પાણી મળશે પરિણામે ઉનાળુ ફસલને મબલખ ફાયદો થશે.ઉનાળુ ફસલ માટે ખેડૂતોએ પાણી પત્રક પારદર્શક ભરવા તથા પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરી સહકાર આપવા સમિતિની બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી. સિંચાઈ સમિતિની યોજાયેલ બેઠકમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રાખસીયા સાહેબ,ડેપ્યુટી ઇજનેર સામાણી સાહેબ,સેક્શન અધિકારી નરેન્દ્રભાઇ પિઠીયા તથા ડેમ પાણી વિતરણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.ઉનાળું ફસલ માટે નવ પાણી આપવાનાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ નિર્ણય કરવા બદલ સિંચાઈ સમિતિના સભ્ય ડી.બી.સોલંકી એ ખેડૂતો વતી સિંચાઈ વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.ડેમમાંથી પ્રથમ વખત નવ પાણી આપવાનાં નિર્ણયને તાલાલા-વેરાવળ વિસ્તારના 20 ગામના ખેડૂતોએ ઉમળકાભેર વધાવ્યો હતો.