સિનિયર સિટિઝનોએ કરી કલેક્ટરને રજૂઆત
ચીફ ઑફિસરના કચેરીમાં ગેરવહેવાર: કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર – છાયા નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરી નાગરિકોની સમસ્યાઓ માટે નહીં, પરંતુ કાઉન્સીલરો અને તેમના મળતીયાઓના હમેશા જમાવડાથી ચર્ચામાં છે.
નાગરિકોને ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સુધી પહોંચવામાં કલાકોનો સમય પસાર કરવો પડે છે, અને ઘણીવાર તેઓ પોતાની રજૂઆત કર્યા વગર જ થાકીને પાછા ફરી જાય છે. પોરબંદરના સિનિયર સિટીઝન પુંજાભાઈ કેશવાલાએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ચીફ ઓફિસર માટે નાગરિકોની રજૂઆત સાંભળવા એક ચોક્કસ સમય નક્કી કરવા અને તેની જાણકારી માટે કચેરીની બહાર બોર્ડ લગાવવા વિનંતી કરી છે. પુંજાભાઈએ કહ્યું, ‘જિલ્લા કલેક્ટરની કચેરીએ નાગરિકોની રજૂઆત સાંભળવા માટે સોમવાર નિર્ધારિત છે અને કચેરીની બહાર આ અંગેની જાણકારી માટે બોર્ડ મૂકવામાં આવ્યો છે. એ જ પ્રકારની વ્યવસ્થા પાલિકાની ચીફ ઓફિસર કચેરીમાં પણ હોવી જોઈએ.’ સમયસર કાર્યવાહી નહી, તો નારાજગી વધશે ચીફ ઓફિસરના દફતરમાં નિયમિત કામગીરી અને નાગરિકોના પ્રશ્ર્નોને પ્રાથમિકતા આપવી તે ખૂબ જરૂરી છે. જો આ અંગે યોગ્ય પગલાં ન લેવાય તો નાગરિકોમાં અસંતોષ વધુ વધવાની શક્યતા છે. જિલ્લા વહીવટીતંત્રે આ રજૂઆતની નોંધ લઈને નાગરિકોના હક માટે પગલાં લેવું જરૂરી બન્યું છે.
- Advertisement -
આરોપો અનુસાર, ચીફ ઓફિસરની કચેરી કાઉન્સીલરો અને તેમના મળતીયાઓ માટે પ્રાઇવેટ ઓફિસ જેવું સ્થળ બની ગયું છે. કોઈ રજાની જરૂરિયાત કે નિયમોનું પાલન કર્યા વગર, મળતીયાઓ ચીફ ઓફિસરની કચેરીમાં મઝાથી બેઠા રહે છે. આ દરમિયાન નાગરિકો કે જેમની સમસ્યાઓ ઉકેલવા માટે કચેરી સ્થાપવામાં આવી છે, તેઓ બહાર બેસી સમય ગુમાવતા રહે છે.