કારેલા કે જાંબુના સેવનથી ડાયાબિટીસ મટે તે વાતમાં વિજ્ઞાન કેટલું?
મધુમેહના ઔષધોમાં મધ અને સાકર જેવા દ્રવ્યો શા માટે ?
- Advertisement -
ડાયાબિટીસ એટલે શરીરમાં વધુ પડતી શર્કરા, શરીરમાં નિયત માત્રાથી વધુ ખાંડ. પણ તેનો અર્થ એવો કરી શકાય કે વધુ પડતી કડવાશનું સેવન કરવાથી એ શર્કરા નાબૂદ થશે ને ડાયાબિટીસથી છુટકારો મળશે? સામાન્ય વ્યહાવારમાં મીઠાશ શબ્દનો વિરોધી શબ્દ કડવાશ છે, પણ મીઠાશના સૂક્ષ્મ ગુણકર્મને કડવાશના સૂક્ષ્મ ગુણકર્મ મારી હટાવી શકે? આપણે ત્યાં ડાયાબિટીસના દર્દીઓ કારેલા અને તે પ્રકારની કડવાશ પર તુટી પડતાં હોય છે, બજારમાં કારેલાના પાઉડર જેવી અનેક પ્રોડક્ટ પણ ઉપલબ્ધ છે. આયુર્વેદના નામે કારેલા અને કડવાશના આ પ્રયોગોને પ્રમોટ પણ કરવામાં આવે છે પણ શરીરની કાર્યવાહીની દૃષ્ટિએ કડવાશ એ મધુમેહ એટલે કે ડાયાબિટીસનું મારણ કે ઉપચાર છે ખરો? આ પ્રશ્ન ઘણું ચિંતન અને અભ્યાસ માંગી લે છે. વાસ્તવમાં સ્વાદમાં મીઠાશના બાબત જ સાપેક્ષે છે. એટલે કે ખાંડવાળી ચા પીતાં પહેલા જો પૈંડો કે ચોકલેટ જેવી કોઇ વસ્તુ તમે ખાધી હશે અને તે પછી જો ચા પીશો તો ચા થોડી મોળી કે ફિકી લાગશે. પેંડા કે ચોકલેટ કડવાં નથી હોતાં તેમ તે લીધા પછી ચાની મીઠાશ બરાબર પરખાતી નથી. બીજી તરફ સ્ટેવિયાના પાન સ્વાદમાં મધુર છે પણ તે ચાવ્યાં પછી મધુર રસની અનુભૂતિ ઓછી થાય અથવા નથી જણાતી? એ જ રીતે મધુનાશીની અને ઇન્સ્યુલિન પાંદડાનું સેવન ડાયાબીટીસના ઘણા દર્દીઓ કરતા હોય છે.અલબત્ત વૈજ્ઞાનિક દૃષ્ટિએ તો ઉપચારાત્મક પ્રયોગ માટે ડાયાબીટીક દર્દીઓએ મીઠો લીમડો, બીલીપત્ર કે મામેજવાના તાજા તોડેલા ગુણકારી પાનનું સેવન કરવું જોઈએ. આધુનીક તબીબી વિજ્ઞાનની એન્ટીડાયાબીટીક દવાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, તે માંહે એકમાં ગ્લીમિપિરાઇડ આવે છે તેનો સ્વાદ મીઠો હોય છે, છતાં તે પેન્ક્રિયાઝને ઉત્તેજિત કરી ઇન્સ્યુલીનનું સ્ત્રાવ કરાવે છે. આ વાત વિચારણીય નથી લાગતી? ડાયાબીટીક દર્દીઓમાં નિરંકુશ હાઇ બ્લડ સુગરને નિયંત્રિત કરવા માત્ર ઇન્સ્યુલિન પર જ ધ્યાન આપવામાં નથી આવતું બલ્કે તે બાબતે ગ્લુકોગોન નામનો અંત:સ્ત્રાવ પણ એટલુ જ મહત્વ ધરાવે છે. આ વસ્તુ બરાબર સમજવાની છે.
હાઇ લેવલ બ્લડસુગર તથા ક્રોનીક ડાયાબીટીકના દર્દીને તજજ્ઞ ચિકિત્સકો આયુર્વેદની પરિભાષામાં મધુમેહી કે પ્રમેહી તરીકે જુએ છે. આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રની મુખ્ય સંહિતાઓમાં મધુમેહની ચિકિત્સામાં વપરાતા યોગોમાં મધ અને સાકર, ગોળ જેવાં મધુર રસ ધરાવતા પદાર્થોનો ઉપયોગ થતો હોય છે. આયુર્વેદની દૃષ્ટિએ મધુમેહ વાતપ્રધાન ઉપદ્રવોના વિભાગમાં આવે છે. તો હવે એ પણ સમજો કે ડાયાબિટીસના ઉપચારમાં જેનું બહુ સેવન થાય છે તે જાંબુનો વધુ પડતો ઉપયોગ વાયુ દોષ ઉત્પન્ન કરનાર છે. કડવા સ્વાદ ધરાવતાં પદાર્થો વાયુને વધારે છે, એટલું જ નહી, તે વાયુ રુક્ષ અને લઘુ ગુણકર્મ ધરાવે છે તેથી જ પણ કડવા રસનું વધુ પડતું સેવન ડાયાબીટસના દર્દીના શરીરમાં વાયુના વિકારને ઉશ્કેરે છે. તેથી જ આયુર્વેદ દ્રષ્ટિકોણથી ડાયાબીટીસને જો મધુમેહ તરીકે જોવામાં આવે તેની ચિકિત્સાની દૃષ્ટિએ કડવો રસ યોગ્ય તો નથી જ અને વળી તે અનિચ્છનીય પણ છે. મધુમેહમાં શરીરના તેજનો નાશ થતો હોય છે. આયુર્વેદમાં કહ્યું છે કે કડવા રસનું વધુ પડતું સેવન શુક્રનો નાશ કરે છે. લીમડાના પાન ચાવવાથી પુરુષોમાં શુક્રનાશ થઈ શકે છે. ઊંટ લીમડો ખાય છે પણ તેને વીર્યાશય અવયવ જ હોતુ નથી એટલે શુક્ર જરૂરીયાત વખતે સીધુ જ પેદાં થાય છે અને તેનો સ્ત્રાવ થાય છે. કડવા લીમડાંની તુલનામાં મીઠો લીમડો ડાયાબીટીસના દરદીઓને વિકાર રાહત વધુ ઝડપી અને વધુ સારી રીતે કરી શકે છે. લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કડવાં કારેલાં ખાવાથી ડાયાબિટીસના દર્દીનું બ્લડસુગરનું ઊંચું સ્તર નીચે જાય છે પણ આ બાબતનો સ્વયં જ પ્રયોગ કરી લેવાં કલ્યાણકારી નીવડશે. આ માટે સવારે ઊઠી તરતજ બ્લડ સુગર લેવલ ચેક કરી પછી સંભવ હોય તે રીતે અને એટલી માત્રામાં એકલાં કારેલાં જ લેવા, ત્યાર બાદ બે કલાક સુધી કંઈ પણ ખાવું પીવું નહી અને બ્લડસુગર ચેક કરવું… તમને નવાઈ લાગે તેવો નિષ્કર્ષ પ્રાપ્ત થશે. કારેલા સ્વાદમાં કડવાં હોય છે પણ પાચન પછી તે મધુર નીવડે છે. તો બીજી તરફ કારેલા ખાધા પછી ઓડકાર કડવા નથી આવતા. ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ માટે શરીર જ એક માત્ર સાધન છે, અને તે સદૈવ સ્વસ્થ રહે અને જો બિમાર પડે તો પણ ઝડપથી તેમાંથી મુક્ત થાય એ જોવાની ફરજ આપણી જ છે. તેથી જ તર્કહીન અને આંધલુકિયા પ્રયોગો ના કરવાં. ઘરગથ્થુ નુસખાઓ પાછળના વિજ્ઞાનને સમજવું જાણવું અને તજજ્ઞ ચિકિત્સકની સલાહ સુચન મુજબ શરીર પર આવા પ્રયોગ કરવાં… વેપારના આ જમાનામાં સ્વાસ્થ્ય બાબતે ખુબ જ સાવચેત રહેવું જરૂરી છે.