ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી તા. 14ના શનિવારે સાંજના 05:15 કલાકે સસ્કૃત ભવન, ભારત સેવક સમાજ પરિસર, રેસકોર્સ, રાજકોટમાં હિન્દી સાહિત્યના મર્મજ્ઞ, સાહિત્યકાર ડો. દક્ષા જોશીનું વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. ડો. દક્ષા જોશી, હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિયત્રી મહાદેવી વર્માની સાહિત્ય ચેતના તથા તેમની સર્જન યાત્રા પર રસપ્રદ સંબોધન કરશે. ડો. ગિરીશ ત્રિવેદી, કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
આપને વિદિત હશે જ કે, ડો. દક્ષા જોશી, મીનાબેન કુંડલીયા મહિલા કોલેજના ગણમાન્ય પ્રોફેસર અને આચાર્ય તરીકે રહી ચૂક્યા છે. તેમની હિન્દી અને હિન્દી સાહિત્યની સેવાઓ અનન્ય રીતે ઉત્તરોત્તર પ્રસારિત થતી રહી છે અને તેનો વ્યાપ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે યશસ્વી બની રહી છે. અનેક સંસ્થાઓ દ્વારા તેમની સર્જન યાત્રાનું સહર્ષ અભિનંદન કરતાં વિવિધ સમ્માન – પુરસ્કારોથી તેમને વિભૂષિત કરવામાં આવ્યા છે જે રાજકોટ નગરનું ગૌરવ છે.
- Advertisement -
હાલમાં તેઓને ભોપાલમાં મહાદેવી વર્મા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં છે તેમજ ’અટલ સાહિત્ય સન્માન’ રાષ્ટ્રીય પુરસ્કાર માટે ખાસ વરણી કરવામાં આવી છે.
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ (વર્ધા), રાજકોટ દ્વારા પણ ડો. દક્ષા જોશીના પ્રશસ્ય સાહિત્યિક પ્રદાન અને કાર્યની નોંધ લઇ ગયા વર્ષે ‘રાજકોટ રાષ્ટ્રભાષા ગૌરવ’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. હાલમાં તેઓ અમદાવાદમાં વસવાટ કરી રહ્યાં છે.
ડો. દક્ષા જોશીના અનેક પુસ્તકો, લેખો, આલેખો, શોધ ગ્રંથ સમયાંતરને પ્રકાશિત થતા રહ્યા છે. આ વિશેષ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમના ગુણવંત અતિથિને વધાવવાનો. આવકારવાની ઉત્તમ તક આપણને સાંપડી છે ત્યારે, સર્વ હિન્દીપ્રેમીઓની શૃંખલાના અવિભાજ્ય અનન્ય અનુરાગી તરીકે આપને કાર્યક્રમમાં સહભાગી થવા તથા ઉત્સાહવર્ધન કરવા ભાવપૂર્ણ નિમંત્રણ પાઠવી શુભનિષ્ઠા વ્યક્ત કરીએ છીએ.
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ (વર્ધા), રાજકોટના મહામંત્રી જનાર્દન પંડ્યાના માર્ગદર્શન અને વડપણ હેઠળ એમ.જે. ચંદે, સી.આર. મઢવી અને પરેશ પંડ્યા વિગેરે રાષ્ટ્રભાષાના પદાધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આશા છે, આપ સંસ્થાગત નિમંત્રણનો સ્વીકાર કરી આપ અચૂક પધારી આભારી કરશો.