બોગસ તબીબ દ્વારા અશિક્ષિત ગ્રામજનોની જિંદગી સાથે ચેડાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં નક્લીની ભરમાર સર્જાય છે જેમાં અધિકારી નકલી હોવાની સાથે હાલ કોર્ટ અને કચેરી પણ નકલી હોવાનું સામે આવે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નક્લીનો ક્રેઝ હવે વધતો જઈ રહ્યો છે જોકે રાજ્યમાં તો હમણાંથી આ નકલીની બોલબાલા શરૂ થઈ છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં તો છેલ્લા કેટલાય વર્ષોથી નકલી તબીબોનો રાફડો ફાટયો છે જેમાં હાલ ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના એજાર ગામ ખાતે નકલી ડોકટર છેલ્લા કેટલાય સમયથી ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નકલી ડોકટર પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી નહિ હોવા છતાં એજાર ગામની ચોકડી પાસે દુકાનમાં ક્લિનિક ખોલી છેવાડાના અશિક્ષિત ગ્રામજનોની સારવારના નામે લૂંટ ચલાવી રહ્યો છે. એટલું જ નહિ પરંતુ ગ્રામજનોને આ બોગસ તબીબ કોઈપણ જાતની ડિગ્રી કે આવડત વગર સારવારની દવાઓ આપે છે જેમાં કેટલીક વખતનો અહીંના સ્થાનિકોને દવાની આડઅસર પણ થઈ ચૂકી હોવાની પણ વિગતો મળી છે છતાં ગ્રામજનો અશિક્ષિત હોવાથી તબીબ અંતે હાથ અધ્ધર કરી અન્ય હોસ્પિટલ ખાતે જવાની સલાહ આપે છે. ત્યારે આ પ્રકારના બોગસ તબીબના લીધે એજાર ગામના રહીશોની જિંદગી હવે ભગવાન ભરોસે હોવાનું નજરે પડે છે.