લઘુ ઉદ્યોગ ભારતી આયોજીત IIF2025નું લૉન્ચિંગ સાથે MSME સેમીનાર યોજાયો: ઍક્ઝિબિશનમાં ભાગ લેનાર સ્ટોલ હોલ્ડરોને નિયમ અનુસાર સરકારી સબસીડી મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ આયોજીન આઈ.આઈ.એફ.-2025ના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને ડિફેન્સ અને મેડિકલ ડિવાઈસના ઉત્પાદન ક્ષેત્રે વિકાસ સાધવાની ઉજળી તકો ઉપલબ્ધ બનશે અને આપણા ઉદ્યોગગૃહો પોતાના વિકાસ સાથે દેશનાં વિકાસમાં પણ સહભાગી બની શકશે એમ લઘુ ઉદ્યોગ ભારતીના મેન્ટર હંસરાજભાઈ ગજેરા અને એકસ્પોના ચેરમેન ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે. એકસ્પોના લોન્ચીંગ સાથે તાજેતરમાં એમ.એસ.એમ.ઈ. સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. અને ખાસ તો એકસપોમા જોડાનાર સ્ટોલ હોલ્ડરોને સરકારની વિવિધ સ્કીમ અંતર્ગત મળવા પાત્ર સબસીડી પણ મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના મેન્ટર હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ચાલીસથી વધુ પ્રકારની ઈન્ડસ્ટ્રી વિકસી છે પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના બહુ ઓછી કંપનીને મળી છે. કંપનીનાં બ્રાન્ડીંગનુ મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે વૈશ્વીક સ્તરે બિઝનેસ વધારવા બ્રાન્ડ બનવુ જરૂરી હોય છે. ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025 આ જે તે ઉદ્યોગોની બ્રાન્ડને રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડીંગ માટેનું યોગ્ય પ્લેટફોર્મ બની રહેશે. તેમણે લોકોના આ ફેરમાં જોડાઈને પોતાના ઘંઘાના વિકાસ સાથે નવી રોજગારીનું સર્જન કરવા અનુરોધ કર્યો હતો.
- Advertisement -
અભ્યુદય ભારતના ધવલભાઈ રાવલે માહિતી આપતાં કહ્યું હતું કે, આ એક્સપોમાં ઉદ્યોગ ગૃહોને ડિફેન્સ અને મેડિકલ ડિવાઈસના ઉત્પાદન ક્ષેત્ર માટે અનેક તકો ઉપલબ્ધ બનશે. એકસપોમાં ખાસ બે ડોમ ડિફેન્સ વિભાગ માટે રાખવામાં આવ્યા છે અને ડિફેન્સ વિભાગને લગતી તમામ માહિતી ત્યાં ઉપલબ્ધ હશે, નિષ્ણાતો સેમીનાર દ્વારા માર્ગદર્શન પણ આપશે. અને રસ ઘરાવતા ઉદ્યોગગૃહો પોતાની પ્રોડકટ ડિફેન્સ વિભાગને સપ્લાય કરી શકે એ માટે વેન્ડર રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ. કે. લાડાણીએ ઉદ્યોગોના ગ્રોથ માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે ગુજરાત સરકારની ઈન્ટેન્સીવ સ્કીમ ફોર ઈન્ડસ્ટ્રીઝ, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગકારો માટે આત્મનિર્ભર સ્કીમ, માર્કેટ ડેવલપમેન્ટ આસીસ્ટન્સ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટે આસીસ્ટન્સ, ઝેડ સર્ટીફીકેશન, ગવર્મેન્ટ ઈ-માર્કેટ (જેમ) વિશે વિસ્તૃત છણાવટ કરી ઉપસ્થિત ઉદ્યોગપતિઓને માર્ગદર્શન આપ્યુ હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે ઓટોમોબાઈલ સાથે મેડિકલ ડિવાઈસ ઉત્પાદન માટે બહુ મોટો સ્કોપ છે. તેમણે ઈન્જેકશન, સ્ટેથોસ્કોપ, એન્ડોસ્કોપીના દૂરબીન, ઓપરેશન થીયેટરના વિવિધ સાધનો વગેરે મેડિકલ ક્ષેત્રમાં ઉપયોગી સાધનોના ઉત્પાદન સાથે રોજગારીની નવી તકો ઉભી થશે એમ કહ્યું હતું.
આઈ.આઈ.એફ. 2025ના ચેરમેન ગણેશભાઈ ઠુંમરે એકસપોના ફાયદા ગણાવતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહોને પોતાની પ્રોડકટ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શીત કરવાની તક ઘરઆંગણે અમોએ ઉપલબ્ધ બનાવી છે. એકસપોમાં જોડાનાર સ્ટોલ હોલ્ડરોને સરકારની સબસીડી પણ નિયમપ્રમાણે મળવા પાત્ર છે. સ્ટાર્ટ અપ અને મહિલા ઉદ્યોગકારો માટે ખાસ વ્યવસ્થા રાખવા આવી છે. તેમણે વધુને વધુ લોકોને એક્સપોમાં જોડાઈને ઘંઘાના વિકાસની તક ઝડપવા અનુરોધ કર્યો છે.
આ પ્રસંગે આર.એસ.એસ.ના પ્રાંત સંઘચાલકજી મુકેશભાઈ મલકાન, માનનીય પ્રાંત સહવ્યવસ્થા પ્રમુખ ડો. નરેન્દ્રભાઈ દવે, માનનીય પ્રાંત કાર્યકારીણી સદસ્ય- સેવા ભારતી ગુજરાતના કિશોરભાઈ મુંગલપરા, રાજકોટ મહાનગર સહ સંઘચાલકજી ડો. જીતેન્દ્ર અમલાણી, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ બલદેવભાઈ પ્રજાપતી, રાષ્ટ્રીય સહમંત્રી શ્યામજી સલુજા, ગુજરાત પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન, સૌરાષ્ટ્ર સંભાગ પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, ધારાસભ્ય અને ઉદ્યોગપતિ રમેશભાઈ ટીલાળા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ નાગરીક બેન્કના ચેરમેન દિનેશભાઈ પાઠક, વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલ, ડી.આઈ.સી.ના જનરલ મેનેજર એમ. કે. લાડાણી, એમ.એસ.એમ.ઈ.ના એડીશ્નલ ડાયરેકટર સ્વાતી અગ્રવાલ, સી.જી.એસ.ટી.ના આસીસ્ટન્ટ કમીશ્નર કે. કે. શેઠ, એન.એસ.આઈ.સી.ના ચીફ મેનેજર મહમદ જાવેદ યુસુફ, લઘુ ઉદ્યોગ ભારતીના જામનગર, મોરબી, ભાવનગરના આગેવાનો, રાજકોટના વિવિધ ઔદ્યોગીક એસોસીએશનના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ભારત માતાની આકર્ષક છબી અર્પણ કરી મહેમાનોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન લઘુ ઉદ્યોગ ભારતીના યશભાઈ રાઠોડે અને આભારદર્શન અમૃતભાઈ ગઢીયાએ કર્યા હતાં. કાર્યક્રમનું સંચાલન લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના મહામંત્રી જયભાઈ માવાણીએ કર્યું હતું.



