ચાંદીમાં 1700નું ગાબડુ: વિશ્વબજારની મંદી ઉપરાંત રૂપિયો મજબૂત થતા અસર
શેરબજારની જેમ સોના-ચાંદીમાં પણ મોટી અફડાતફડીનો માહોલ રહ્યો હોય તેમ ગત સપ્તાહના ધરખમ ઉછાળા બાદ આજે ગાબડા પડયા હતા. સોનામાં રૂા.1500 તથા ચાંદીમાં રૂા.1700નો ઘટાડો નોંધાયો હતો.
- Advertisement -
રાજકોટમાં 10 ગ્રામ હાજર સોનુ 1500 રૂપિયાના ઘટાડાથી 79200 સાંપડયુ હતું. વિશ્વબજારમાં 2668 ડોલરનો ભાવ હતો. કોમોડીટી એકસચેંજમાં 76610 હતા. હાજર ચાંદી 1700 રૂપિયા ઘટીને 92100 હતી. વિશ્વબજારમાં 30.73 ડોલર તથા કોમોડીટી એકસચેંજમાં 89245નો ભાવ હતો.
ઝવેરીઓના કહેવા પ્રમાણે વિશ્વબજારમાં પીછેહઠ ઉપરાંત સ્થાનિક કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 14 પૈસા મજબૂત થવાની પણ આંશિક અસર હતી. ગત દિવસોમાં વિશ્વબજારની તેજીની સાથોસાથ રૂપિયો પણ તૂટયો હતો એટલે સોના-ચાંદીમાં બેવડા કારણની તેજી હતી.
આજે બંને કારણ નેગેટીવ રહેતા ભાવ ઘટયા હતા. સોનામાં મોટી મુવમેન્ટને કારણે રિટેલ ગ્રાહકો તથા ઈન્વેસ્ટરોને અસર થઈ રહી છે. ટુંકાગાળામાં ભાવ સ્થિર થાય છે કે કેમ તેના પર નજર છે.
- Advertisement -