ચિત્રાવડ, ભોજદે, બોરવાવ, માધુપુર, રમળેચી, જેપુર વિગેરે ગામના સોમનાથ જતા 60 કાર્યકરોની અટકાયત
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
તાલાલા પંથકની પ્રજાના પ્રાણપ્રશ્ન ઈકો ઝોન મુદ્દે મુખ્યમંત્રી ને રજુઆત કરવા જાય તે પહેલાં લોક અગ્રણી પ્રવિણ રામ ની 60 કાર્યકરો સાથે પોલીસે અટક કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે તાલાલા પંથકની પ્રજા તથા ખેડૂતોને બરબાદ કરવા આવી રહેલ ઈકો સેન્સિટીવ ઝોન નો કાળો કાયદો રદ કરવાનાં પ્રજાનાં પ્રાણપ્રશ્ન તથા ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે આફતરૂપ અતિ ભારે અને અવિરત વરસાદ પડવા છતાં ગીર સોમનાથ જિલ્લાની સહાય પેકેજ માંથી બાદબાકી કરવામાં આવી.આ ઉપરાંત સોમનાથ-ભાવનગર માર્ગ ઉપર નિયમ વિરુદ્ધ થોડાં થોડાં અંતરે ત્રણ ટોલનાકા ઉભા થતાં પ્રવાસીઓ અને પ્રજા લૂંટાઈ રહેલ હોય આ અગત્યનાં લોક પ્રશ્નોનું ચિંતન કરી પ્રજા અને ખેડૂતોને યોગ્ય ન્યાય માટે ચિંતન શિબિરમાં સોમનાથ આવેલ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા આપ નેતા પ્રવીણભાઈ રામે અગાઉથી પત્ર લખી સમય માંગેલ જેના અંતર્ગત તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપર ખાંડ ફેક્ટરી સામે કાર્યકરો એકઠા થયા હતા.સોમનાથ જાય તે પહેલા તાલાલા પોલીસે તમામ કાર્યકરોને ડીટેઈન કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
- Advertisement -
તાલાલા પંથકના ખેડુત અગ્રણી ડી.બી.સોલંકી એ આપેલ વિગત પ્રમાણે તાલાલા પંથક ની પ્રજાનાં પ્રાણ પ્રશ્નો ની ચર્ચા કરવા અગાઉથી મુખ્યમંત્રીનો સમય માંગેલ છતા સમય આપેલ નહીં જેથી કાર્યકરો નારાજ થઈ જતાં સામુહિક રજુઆત કરવા નિર્ણય લેવાયો હતો જેથી તાલાલા પંથકના ચિત્રાવડ, ભોજદે, બોરવાવ, માધુપુર, રમળેચી, માલજીંજવા, જેપુર વિગેરે ગામોમાંથી ઈકો સામે લડત ચલાવી રહેલા 60 જેટલા કાર્યકરો સાસણ રોડ ઉપર એકઠા થયા હતાં.સોમનાથ જવા રવાના થાય તે પહેલાં પોલીસે તમામ કાર્યકરોને ડિટેઈન કરી લીધાં હતાં જેમાં પ્રવિણભાઈ રામ, દેવેન્દ્રભાઈ સોલંકી, ડી.બી.સોલંકી, નિતેશભાઈ ઘાડીયા, વિજયભાઈ હિરપરા વિગેરે 60 અગ્રણીઓનો સમાવેશ થાય છે. રાજયના સર્વાંગી વિકાસ માટે ચિંતન કરવા સોમનાથ ખાતે મળેલ ચિંતન બેઠકને પ્રવિણ રામે જલસા બેઠક ગણાવી હતી.ચિંતન બેઠકમાં મુદ્દાઓની ચર્ચા કરવાનાં બદલે મોર્નિંગ વોક,ઘોડા અને હાથી ની સવારી દેખાઈ હતી.ડિટેઈન કરેલ તમાંમ કાર્યકરોને સાંજે છોડી મુકાયા હતા.
સોમનાથ ખાતે મળેલી ચિંતન બેઠક જલસા બેઠક હતી: પ્રવિણ રામ
ઉમરેઠી ડેમ ઉપરની બેઠક રદ થઇ હોવાની ચર્ચા
તાલાલા ગીરથી ચિંતન બેઠકમાં ઈકો ઝોન મુદ્દે રજુઆત કરવા જઈ રહેલ 60 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કર્યા બાદ ઉમરેઠી ગીર ડેમ ઉપર ગોઠવાયેલ બેઠક બંધ રહી હોવાની લોકચર્ચા થઈ રહી છે.ઉમરેઠી ગીર ડેમ ઉપર સી.એમ.ના પ્રોટોકોલ પ્રમાણે ખાટલા બેઠક સહિતની વ્યવસ્થા થઈ હતી ત્યારબાદ ગમે તે થયું માત્ર અમુક અધિકારીઓ આવ્યા બાદ બેઠક આટોપી લેવાઈ હોવાની ચર્ચા થઈ રહી છે.