શરદ પવાર, મોહન ભાગવત, સચીન, અક્ષય કુમાર સહિતના સેલીબ્રીટી – દિગ્ગજોનું મતદાન
મહારાષ્ટ્રમાં તમામ 288 બેઠકો પર એક જ તબકકામાં મતદાન: 9.70 કરોડ મતદારો 4136 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે: મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે નિર્ણાયક જંગ
- Advertisement -
ઝારખંડમાં બીજા તબકકાનું મતદાન: ઉતરપ્રદેશની 9 સહિત ચાર રાજયોની 15 વિધાનસભા બેઠકો અને નાંદેડ લોકસભા બેઠકમાં પણ પેટા ચૂંટણી: સર્વત્ર ચુસ્ત સુરક્ષા
દેશમાં રાજકીય રીતે અત્યંત પ્રતિષ્ઠાજનક મહારાષ્ટ્ર તથા ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂ થયુ છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો ઝારખંડમાં બીજા તબકકાની 38 બેઠકો ઉપરાંત ચાર રાજયોની 15 વિધાનસભા બેઠકોમાં પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. સજજડ સુરક્ષા વચ્ચે દિગ્ગજ નેતાઓએ વહેલી સવારમાં જ મતદાન કરી લીધુ હતુ. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો માટે આજે એક જ તબકકામાં મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપ, એકનાથ શિંદે તથા અજીત પવારવાળી મહાયુતિ સામે કોંગ્રેસ-શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડીનો સીધો નિર્ણાયક જંગ રહ્યો છે. આજે સવારથી મતદાન શરૂ થતાની સાથે જ મતદારો ઉત્સાહભેર ઉમટયા હતા અને ઠેકઠેકાણે લાઈનો જોવા મળી હતી, દિગ્ગજ નેતાઓ, ફિલ્મી સિતારા, ઉદ્યોગપતિઓ સહીતનાં સેલીબ્રીટીઓએ મતદાન કર્યુ હતુ.
સંઘવડા મોહન ભાગવત, શરદ પવાર, અજીત પવાર, સુપ્રિયા સુલે, સચીન તેંડુલકર, અક્ષયકુમાર, વગેરેએ મતદાન કર્યુ હતુ. રાજયની 288 બેઠકો પર કુલ 4126 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અને 9. 70 કરોડ મતદારો આ ઉમેદવારોનું ભાવિ નકકી કરશે બસપા પણ 237 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.ઉપરાંત અન્ય નાના પક્ષો પણ મેદાનમાં છે. વિધાનસભા ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રહે તે માટે રાજયભરમાં બે લાખ સુરક્ષા કર્મીઓનો જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. બીજી તરફ ઝારખંડમાં પણ બીજા તબકકાની બાકીની 38 બેઠકો પર મતદાન યોજાય રહ્યું છે. રાજયમાં ભાજપ તથા સોરેનના જેએએમ વચ્ચે સીધો જંગ છે.રાજયમાં ચૂંટણી મતદાનનો પ્રથમ તબકકો ગત 13મીના રોજ યોજાયો હતો.
- Advertisement -
આ સિવાય દેશનાં ચાર રાજયોમાં 15 વિધાનસભા બેઠકો તથા એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ઉતરપ્રદેશમાં 9 ઉપરાંત પંજાબમાં ચાર તથા ઉતરાખંડ-કેરળની 1-1 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી છે તેવી જ રીતે મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણીનું મતદાન છે.ચૂંટણીમાં લોકોનો જોરદાર ઉત્સાહ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની ગરીમા વધારવાનું આહવાન કર્યું હતું. મહિલાઓ તથા યુવા મતદારોને મતદાન કરવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. મતદાનનો રેકોર્ડ સર્જવા અપીલ કરી હતી.
શરદ પવાર અને અજિત પવારની પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા
શરદ પવારે લોકસભા ચૂંટણીમાં અજિત પવારને મોટો ઝટકો આપ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર અને અજિત પવાર વચ્ચે કોની પાર્ટીને વધુ ધારાસભ્યો મળશે. અજિત પવારના જૂથને ચૂંટણી પંચે વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તરીકે માન્યતા આપી છે. શરદ પવારને વિધાનસભા ચૂંટણીમાં પણ હરીફ જૂથને હરાવવાનો વિશ્વાસ છે, જ્યારે અજિત પવાર સારા પ્રદર્શન સાથે પુનરાગમન કરવાની આશા રાખી રહ્યા છે.
ઉધ્ધવ જૂથ શિવસેના vs શિંદે
બીજી બાજુ, જો આપણે શિવસેનાના શિંદે અને ઉધ્ધવ જૂથોની વાત કરીએ તો, બંનેએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હવે જનતા કોને પક્ષના વારસાના વાસ્તવિક હકદાર માને છે તે વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી નક્કી થવાની અપેક્ષા છે. ચૂંટણી પંચે શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી છે.