જસ્ટિસ નિર્જર દેસાઈનાં આદેશને ઘોળીને ગટગટાવી જતી રાજકોટ પોલીસ
કોર્ટ કેસ ચાલું હોવા છતાં જમીનને લગતી અરજી સ્વીકારવાનો શો અર્થ? શું રાજકોટ પોલીસને માત્ર જમીનની બાબતમાં જ રસ છે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત હાઈકોર્ટે વિવાદીત જમીન મામલાઓમાં પોલીસની કામગીરી સામે સખ્ત નારાજગી વ્યક્ત કરતા આકરા સવાલો કર્યા હતા. થોડા સમય પૂર્વે જસ્ટિસ નિર્જર દેસાઈએ રાજકોટના એક મામલાની સુનાવણી કરી રહ્યાં હતા જેમાં રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી પીએસઆઈની તપાસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવતા તપાસ અધિકારી સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટના સખ્ત વલણના પગલે કલાકોમાં જ શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને પણ સર્ક્યુલર પાઠવ્યું હતું કે, જમીન મામલામાં પોલીસ અધિકારીઓએ તપાસ ન કરવી આમ છતાં હાલમાં જ પોલિસે એક વિવાદિત જમીનના ચાલુ કેસની અરજી સ્વીકારી હોવાનું માલૂમ પડી રહ્યું છે. જે અલ્પેશ રણછોડભાઇ ચોવટીયા દ્વારા 15 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવી છે. જેની સામે આજે તા. 19 નવેમ્બરના રોજ સરલ (અરજી શાખા) પોલીસ કમિશનર કચેરી દ્વારા એક અરજી સ્વીકારવામાં આવી છે. આ અરજી ભીખુભાઈ સેગલીયા દ્વારા નલિનીબેન નરેન્દ્રભાઈ ચગ ઉપરાંત પ્રાંત કચેરી વિરુદ્ધની છે. આ અરજીની વિગત અનુસાર શહેરના રેવન્યુ સર્વે નં. 516 ઉપર 4.00 એકર ખેતીની જમીનનો મામલો છે અને આ વિવાદ અંગે અરજીમાં પણ એવો ઉલ્લેખ છે કે, અમો ફરીયાદી ને કાયદેસર રીતે ગોવિંદભાઈ બોધાભાઈ પટેલ વગેરે દ્વારા માત્ર વહિવટી કામ માટે કુલમુખત્યારનામું આપેલ છે, આ કુલમુખત્યારનો ખાર રાખીને અમોને ખોટી રીતે કાયદા વિરુધ્ધ ગેરકાયદે રીતે દબાવવા માટે પોલીસનો સહારો લઈને અમારી વિરુધ્ધમાં તથા ગોવિંદભાઈ બોધાભાઈ પટેલ વગેરેની સામે રાજકોટ પોલીસ કમિશનરશ્રી સમક્ષ અરજી નં.41/2024થી તા.15-11-2024થી અરજી ગુજારેલ છે તેની તપાસ હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ગુના નિવારણ શાખા કરી રહી છે. એવું અરજીમાં જણાવવામાં આવ્યું છે. આમ, ઉપરોક્ત અરજી અને તેના લખાણ સંદર્ભે કહી શકાય કે રાજકોટ, સુરત, વડોદરા જ્યા જમીનની કિંમતો વધે છે ત્યારે પોલીસનું ધ્યાન લેન્ડ મેટર પર જ હોય છે એવું જણાવનાર જસ્ટિટ નિર્જર દેસાઈની વાતને રાજકોટ પોલીસે જાણે વાસ્તવિક બનાવી દીધી છે. પોલીસ જમીનની મેટર એવી રીતે ઝડપે છે જેમ સિંહ સસલાને જોઇને તરાપ મારે. હવે વિવાદિત જમીન પ્રકરણમાં સ્વીકારેલી અરજી અંગે પોલીસ શું કાર્યવાહી કરશે અને તેની તપાસ એક ખાસ બ્રાન્ચ સોંપાશે કે કેમ એ જોવું રહ્યું.
હવે પોલીસ કાર્યવાહી ન કરે તો ભીખુભાઈ સેગલીયા હાઇકોર્ટના દ્વાર ખખડાવશે
તા. 19 નવેમ્બરના ફરિયાદી ભીખુભાઈ સેગલીયાએ નલિનીબેન નરેન્દ્રભાઈ ચગ ઉપરાંત પ્રાંત કચેરી વિરુદ્ધની પોલીસ કમિશનરને અરજી કરી છે. આ અગાઉ અલ્પેશ રણછોડભાઇ ચોવટીયાએ ભીખુભાઈ સેગલીયા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. હવે જો પોલીસ દ્વારા નલિનીબેન નરેન્દ્રભાઈ ચગ સહિતના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભીખુભાઈ હાઇકોર્ટનો દ્વાર ખખડાવશે.