લાપરવાહી…આગ વખતે જ ફાયર એલાર્મ ન વાગતા રેસ્કયુ ઓપરેશન મોડુ શરૂ થયુ
આઈસીયુમાં 54 બાળકો દાખલ હતા: 16ને ઈજા: અન્યોને સુરક્ષિત બચાવી લેવાયા: દુર્ઘટનાને પગલે નાસભાગ – અફડાતફડી
- Advertisement -
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક બાળકોના પરિવારો માટે 5 – 5 લાખની સહાય જાહેર કરી: નાયબ મુખ્યમંત્રીને દોડાવાયા: 12 કલાકમાં તપાસ રીપોર્ટ આપવા આદેશ
ઉતર પ્રદેશનાં ઝાંસીમાં સરકારી મેડીકલ કોલેજનાં બાળકોનાં વિભાગમાં ભયાનક આગ લાગતા 10 નવજાત શિશુના મોત નિપજયા હતા. અંદાજીત 40 બાળકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા.શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાની શંકા વ્યકત થઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે તાબડતોબ તપાસ રીપોર્ટ આપવાનો આદેશ જાહેર કર્યો હતો અને મૃતકોનાં પરિવારોને પાંચ-પાંચ રૂપિયાની સહાય જાહેર કરી છે.
ઝાંસીમાં સરકાર સંચાલીત મહારાણી લક્ષ્મીબાઈ મેડીકલ હોસ્પીટલનાં આઈસીયુ વોર્ડમાં રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી.આગની જવાળા દેખાતા તાત્કાલીક આગ બુઝાવવાની કામગીરી કરવા ઉપરાંત વોર્ડમાં દાખલ બાળદર્દીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીનીયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જીલ્લા કલેકટર અખિલેશકુમારે કહ્યું કે શોર્ટ સર્કીટથી આગ લાગ્યાની શંકા છે. દુર્ઘટના વખતે કુલ 54 બાળકો દાખલ હતા. 16 ને નાની મોટી ઈજા છે જયારે 28 સંપૂર્ણ સુરક્ષીત છે. હોસ્પીટલના આઈસીયુ વોર્ડમાં રાત્રે સવા દસ વાગ્યાનાં અરસામાં દુર્ઘટના બની હતી.આગ દેખાતા જ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. 6 ફાયર ટેન્કરોએ બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
- Advertisement -
આગ બાદ ‘એલાર્મ’ વાગ્યો ન હતો. પરિણામે રેસ્કયુ કામગીરીમાં ઢીલ થઈ હતી.ઓકસીજન કોન્સનટ્રેટરમાં આગને કારણે તે ઝડપથી પ્રસરી હતી. સમગ્ર જીલ્લામાં પ્રસુતી તથા બાળરોગ માટે આ મુખ્ય હોસ્પીટલ હતી.આગને પગલે નાસભાગ તથા પરિવારોનાં ઉશ્કેરાટને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આગ વચ્ચે બારીના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના વિશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ દર્શાવ્યુ હતું. 12 કલાકમાં તપાસ રીપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો મૃત બાળકોનાં પરિવારોને 5-5 લાખ તથા ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી હતી.નાયબ મુખ્યમંત્રી બૃજેશ પાઠક તથા આરોગ્ય સચીવ પાર્થસારથી શર્માને દુઘર્ટના સ્થળે દોડાવ્યા હતા.
સુત્રોના કહેવા પ્રમાણે 10 બાળકો પૈકી અમુક જીવતા ભડથુ થઈ ગયા હતા જયારે અમુક ગુંગળામણને કારણે મોતને ભેટયા હતા. આગ પછી સૈન્ય ટુકડીને પણ મદદ માટે દોડાવવામાં આવી હતી.દુર્ઘટના વધુ ગંભીર ન બને તે માટે હોસ્પીટલમાં વિજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.