શિક્ષણથી આરોગ્ય અને સલામતીથી માંડીને સામાજીક કલ્યાણના પાસા સામેલ
રાજયમાં એક સમાન અમલ માટે નિશ્ચિત માર્ગદર્શિકા હશે : ગરીબ, વિકલાંગ, હિજરતી પરિવાર તથા અંતરિયાળ ભાગોના બાળકો પર ખાસ ફોકસ
શહેરી બાળકોને સાઈબર ક્રાઈમ અને ડીજીટલ છેતરપિંડીથી બચાવવા પર ધ્યાન કેન્દ્રીત કરાશે: જાહેર સ્થળોએ વિશેષ સુવિધાની જોગવાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.15
ગુજરાતમાં બાળકોની સુરક્ષા માટે ખાસ નવી નીતિ ઘડવા સરકારે ચક્રો ગતિમાન કર્યા છે તેમાં બાળકોના શિક્ષણથી માંડીને આરોગ્ય તથા સલામતીથી માંડીને સામાજીક સુરક્ષાના મુદાઓને આવરી લેવામાં આવશે. આ નીતિના અસરકારક અમલ માટે વિશેષ મોનીટરીંગ ટીમ બનાવવામાં આવશે.
રાજય સરકારના ટોપ લેવલના સૂત્રોએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષા માટેની નવી સુચિત નીતિમાં નિશ્ચિત માર્ગદર્શિકા તૈયાર થશે અને રાજયભરમાં સરકારી વિભાગો, તપાસ એજન્સીઓ તથા બાળકલ્યાણ કમીટીઓએ તેનું અનુસરણ કરવાનું રહેશે. બાળ અધિકારોનો ભંગ માલુમ પડવાના સંજોગોમાં માર્ગદર્શિકા મુજબ જ નાણાકીય કાર્યવાહી કરવાની થશે. ગરીબ, આર્થિક રીતે નબળા, વિકલાંગ તથા છેવાડાના અંતરિયાળ ભાગોમાં વસવાટ કરતા બાળકોના કલ્યાણ-વિકાસ પર નવી નીતિમાં ખાસ જોર આપવામાં આવશે.
- Advertisement -
નવી નીતિ અંતર્ગત તમામ જીલ્લા કક્ષાએ ખાસ બાળ સુરક્ષા કમીટીઓ બનાવવામા આવશે. કમીટીએ બાળકો પર જ ફોકસ કરવાનું રહેશે. આ સીસ્ટમ વર્તમાન હેલ્પલાઈન સીસ્ટમને વધુ મજબૂત બનાવાશે. શાળા તથા સામાજીક સ્તરે જાગૃતિ ઉભુ કરવા તથા સરકારી વિભાગોમાં બાળ સુરક્ષા માટે વધુ સંકલન કરવા, બાળ તસ્કરી રોકવા માટે ખાસ પ્રોટોકોલ ઘડવા વગેરે પગલાનો સમાવેશ છે.સૂત્રોએ કહ્યું કે, શહેરી વિસ્તારોમાં પણ બાળકો માટે ઉભા થતા નવા પડકારો પર નવી નીતિમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. ખાસ કરીને સાઈબર સુરક્ષા તથા ડીજીટલ છેતરપીંડીથી બચાવવાના પાસા પર ફોકસ કરાયુ છે. સિઝન મુજબ સ્થળાંતર કરતા- હિજરતી શ્રમિકોના બાળકો માટે પણ શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ માટેની ખાસ જોગવાઈ કરવામાં આવશે.નવી નીતિનુ અસરકારક રીતે અમલીકરણ થાય તે માટે કામગીરીમાં સામેલ વર્ગ માટે નિયમિત તાલીમ કાર્યક્રમો કરવા, જીલ્લા તથા રાજયસ્તરે સમયાંતરે સમીક્ષા બેઠક, જાહેર સ્થળોએ બાળકો માટે ખાસ સુવિધા, બાળ સુરક્ષા કલ્યાણ માટે બજેટમાં વધુ ફાળવણી તથા તસ્કરીનું જોખમ ધરાવતા બાળકોનો ડેટાબેઈઝ તૈયાર કરવા જેવી જોગવાઈ હશે.
સમગ્ર નીતિ લાગુ કરવા માટે ગ્રામ પંચાયતથી માંડીને કોર્પોરેશન સુધીની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને સામેલ કરાશે અને તેમાં બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય અપાશે. બાળકો પર અત્યાચાર-શોષણ રોકવા તથા તેવા બનાવો માટે કદમ ઉઠાવવા નિશ્ચિત જોગવાઈ નકકી કરવામાં આવી છે. વિકલાંગ બાળકોને શિક્ષણ-સામાજીક પ્રવૃતિમાં પર્યાપ્ત મહત્વ આપવાની પણ જોગવાઈ છે.
આ નવી નીતિનો મુસદો તૈયાર થઈ રહ્યો છે અને આવતા થોડા મહિનામાં રાજયભરમાં તબકકાવાર ધોરણે લાગુ કરવામાં આવશે. નીતિના ઉદેશ સિદ્ધ થાય તે માટે નિયમિત મોનીટરીંગ અને સમીક્ષા થશે અને તેના આધારે ફેરફાર કરાશે.