ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પરિકમાર્થીઓ પાસેથી પ્રતિભાવો મેળવી તેમની સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો.
જિલ્લા કલેકટરે ઝીણાબાવાની મઢી વિસ્તારમાં તંત્ર દ્વારા ઊભી કરાયેલી આરોગ્ય, પાણી સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફરજ પરના જુદા જુદા વિભાગના અધિકારી-કર્મચારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.તેમજ આરોગ્ય કર્મીઓ પાસેથી યાત્રિકોને જરૂરી દવાઓના પૂરતા જથ્થાની પણ જાણકારી મેળવી હતી. તેમજ યાત્રિકોને આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડતું રહેવા માટે પણ સૂચના આપી હતી.અને યાત્રિકો સાથે સંવાદ કરતા તેમના પરિક્રમાના અનુભવો જાણ્યા હતા. સાથે જ તેમણે વન અને વન્યજીવોના રક્ષણ માટે પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બની રહે તે માટે જરૂરી તકેદારી લેવા જણાવ્યું હતું. ઉપરાંત પરિક્રમાના રુટ દરમિયાન સતત એકી સાથે ન ચાલતા સમયાંતરે આરામ કરવા માટે કહ્યું હતું.



