દીપકના પ્રકાશમાં સાહસ અને શક્તિનો સંદેશ, દિવાળીની મુખ્ય ભાવના દીપદાન સાથે સંબંધિત
પ્રાચીન કાળથી ચાલી આવતી સાંસ્કૃતિક યાત્રાના પર્વ દિવાળીમાં સુખ અને શુભતાને પ્રદર્શિત કરતા કોડિયા: માણસની કલ્પનાશક્તિ અને સંવેદનશીલ આંગળીઓનો ઈતિહાસ પણ કોડિયાના કલાત્મક આકારમાં અંકિત
- Advertisement -
દિવાળીનો તહેવાર દીવડાનો તહેવાર પણ કહેવાય છે, કારણ કે આ તહેવારમાં દીવડાનું વિશેષ મહત્ત્વ છે. દિવાળી સંસ્કૃત શબ્દ ‘દીપાવલી’ પરથી છે. એનો અર્થ ‘દીપ’ એટલે દિવા અને ‘આવલી’ એટલે એક લડી. હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપનિષદ અને પુરાણો અનુસાર દીપનો પ્રકાશ મુશ્કેલ સમયમાં સાહસ અને શક્તિનો સંદેશ આપે છે. તમસો મા જ્યોતિર્ગમય.. શ્ર્લોક વૈદિક કાળ દરમિયાન સોમયજ્ઞમાં બોલવામાં આવતો હતો, જે ‘બૃહદારણ્યક ઉપનિષદ’માંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ છે, ‘મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ. મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. મને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાઓ.’ તમસો મા જ્યોતિર્ગમય એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું..
જોકે, આ શ્ર્લોકમાં અંધકારનો અર્થ દુષ્ટ અથવા ખોટી આદતો છે. આ પ્રમાણે અંધકારની ખરાબ ટેવો છોડીને પ્રકાશ તરફ વળવું એટલે કે સત્ય તરફ વળવું એ જ સાચી સાધના અને આધ્યાત્મિકતા છે. ઝળહળતા દીવાના પ્રકાશની વાત કરીએ તો દીવો પ્રગટાવવાનો ઈતિહાસ ઘણો જૂનો છે. હિંદુ ધર્મમાં તેનું મહત્વ ઋગ્વેદ કાળથી કળીયુગ સુધી સમજાવવામાં આવ્યું છે. આજે પણ પૂજા, અનુષ્ઠાન અને શુભ કાર્યો દરમિયાન દીવા પ્રગટાવવાની પરંપરા છે. મંદિરોમાં દીપમાળા થાય છે. ખાસ કરીને દિવાળી પર.. દિવાળીની ઉજવણીમાં ઘણું બદલાયું, ઘણી નવીનતા આવી પરંતુ માટીના કોડિયા-દીવડાનું સ્થાન-મહત્વ હંમેશા રહ્યું છે.
ઋગ્વેદ અનુસાર દેવતાઓનો મહિમા દીવામાં રહેલો છે. આ જ કારણ છે કે જ્યાં દીવા પ્રગટાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને નકારાત્મકતા દૂર થઈ જાય છે. દીવા પ્રગટાવવાની પરંપરા ઋગ્વેદ કાળની છે. સમયાંતરે વિવિધ કારણોસર દીવા પ્રગટાવવાની પ્રથા પરંપરાઓ ધાર્મિક વિધિઓ અને તહેવારો સાથે જોડાતી ગઈ. ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રી રામજી ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને સીતાજી અને લક્ષ્મણજી સાથે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ દીવા પ્રગટાવીને સમગ્ર અયોધ્યાને પ્રકાશિત કરી હતી. આ ઘટના બાદ કારતક અમાવસ્યા એટલે કે દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરાની શરૂઆત થયાનું માનવામાં આવે છે.
- Advertisement -
દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસને શ્રીકૃષ્ણએ માર્યો ત્યારે પણ લોકોએ આનંદમાં આવીને દીવા પ્રગટાવેલા. આ ઘટના પછી નરક ચતુર્દશીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરાની શરૂઆત માનવામાં આવે છે. અન્ય એક કથા અનુસાર ભગવાન શિવજીએ કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. તેથી બધા દેવતાઓ પ્રસન્ન થઈ કાશી પહોંચ્યા અને દીવા પ્રગટાવ્યા. આજે પણ તે દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે અને એ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. કળીયુગમાં લોકો સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાની સાથે પુજા સમયે દીવા પ્રગટાવે છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓ, વૃક્ષો અને છોડની આગળ દીવા પ્રગટાવવાનું મહત્વ છે. ખાસ કરીને દિવાળી પર રહેઠાણથી લઈ કામધંધાના સ્થળે દીવા પ્રગટાવવામાં આવે છે.
પ્રાચીન કાળથી ચાલી આવતી સાંસ્કૃતિક યાત્રાના પર્વ કોડિયા દિવાળીમાં સુખ અને શુભતાને પ્રદર્શિત કરે છે. માનવીએ માટી, પથ્થર, લાકડા, મીણ અને ધાતુઓના હસ્તકલા સ્વરૂપે અસંખ્ય દીવા બનાવ્યા છે. શરૂઆતમાં દિવાળીની મુખ્ય ભાવના દીપદાન સાથે સંબંધિત હતી. પ્રકાશનું આ દાન સૌથી મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવતું હતું. માણસની કલ્પનાશક્તિ અને સંવેદનશીલ આંગળીઓનો ઈતિહાસ પણ કોડિયાના કલાત્મક આકારમાં અંકિત છે. દરેક જીવને આ દુનિયામાં જીવવા માટે પ્રકાશની જરૂર છે. પ્રકાશ વિના તે કોઈપણ કાર્ય સુંદર રીતે પૂર્ણ કરી શકતો નથી. તેથી જ રોશનીના તહેવાર દિવાળીમાં કોડિયાનું સ્થાન-મહત્વ અનેરું-આકર્ષક છે.
વિવિધ ધાતુઓના દીવાઓનું મહત્વ
સોનાના દીવામાં ગાયનું શુદ્ધ ઘી નાખી પ્રગટાવવામાં આવે તો ઘરમાં દરેક પ્રકારની પ્રગતિ અને વિકાસ થાય છે. તેનાથી સંપત્તિ અને બુદ્ધિમાં સતત વધારો થાય છે. ચાંદીના દીવા પર ચોખા, સફેદ ગુલાબ અથવા સફેદ ફૂલની પાંખડીઓ ચારેબાજુ વિખેરી પ્રગટાવવાથી ઘરમાં સાત્વિક સંપત્તિ વધે છે. તાંબાના દીવામાં તલનું તેલ નાખી લાંબા સમય સુધી દીવો પ્રગટાવવાથી મનોબળ વધે છે અને દુષ્ટ આત્માઓનો નાશ થાય છે. કાંસાના દીવામાં તલનું તેલ ઉમેરી પ્રગટાવવાથી આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. એટલે કે સંપત્તિ જીવનભર સલામત રહે છે. લોખંડના દીવામાં સરસવના તેલની જ્યોત પ્રગટાવવાથી દુર્ઘટના અને દુશ્મનોથી રક્ષણ મળે છે.
પાંચ હજાર વર્ષ અગાઉ પણ લોકો માટીના કોડિયામાં દીવા કરતાં. મોહેજોદડોના પ્રાચીન અવશેષોમાં આવા કોડિયા મળી આવ્યા હતા. સિંધુ નદીની સંસ્કૃતિમાં જ નહીં પરંતુ તમામ સંસ્કૃતિમાં અજવાળું મેળવવા માટીના કોડિયા બનતાં આ કોડિયાના આકાર પણ વિવિધ હતા. જુદાજુદા દેશ-પ્રદેશના લોકોએ પોતાની કળા-કસબ અજમાવીને જુદાજુદા ઘાટના કોડિયા બનાવેલા. તેમા તેલ અને દિવેટ મૂકવાની અલગઅલગ ટેકનિક પણ અજમાવેલી. દુનિયાના બીજા દેશોને બાદ કરતાં ભારતમાં વપરાતા કોડિયાની ડિઝાઇન આજ સુધી જળવાઈ રહી છે. કારણ કે કોડિયામાં વપરાતા બળતણમાં સીંગતેલ, તલ કે સરસીયાનું તેલ પુરાતું. યુરોપના દેશોમાં પ્રાણીઓની ચરબી, ઓલિવનું તેલ, મીણ વગેરે વાપરવાનો રિવાજ હતો. આપણે ત્યાં દીવો એ પવિત્ર આસ્થાનું પ્રતિક છે. પુજામાં ઘીના દીવા કરવામાં આવે છે. વીજળીના દીવા નહોતા ત્યારે અજવાળું મેળવવા દીવાની જ્યોત જ ઉપયોગમાં આવતી. જાતજાતના ફાનસ, મશાલ વગેરે વિકસ્યા પરંતુ દરેક સાધનમાં કોડિયું તો મૂકવામાં આવતું જ. શહેરોમાં સ્ટ્રીટલાઈટના ફાનસમાં અને રેલ્વેના સિગ્નલના ફાનસમાં પણ તેલ પૂરેલું કોડિયું જ મૂકાતું.
સૌ પ્રથમ પથ્થરના દીવા અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ માટીના દીવા બનવા લાગ્યા. કુંભારના ચક્રની શોધ પછી માટીના દીવાઓ અનન્ય અને આકર્ષક હસ્તકલામાં પરિવર્તિત થવા લાગ્યા. તે દરેક ઘરમાં દીવાદાંડી તરીકે સ્થાપિત થયા. ધાતુઓની શોધ થતા ધાતુના દીવાઓ મોટા આલીશાન ઘરો અને મહેલોને સુંદર બનાવવા લાગ્યા. સોના, કાંસ્ય, તાંબા, પિત્તળ અને લોખંડના દીવાઓનો ઉપયોગ શરૂ થયો. જેમાં પિત્તળના દીવાઓએ ખૂબ લોકપ્રિયતા મેળવી. ‘રત્નદીપ’નો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ જોવા મળે છે. સમય જતાં એકતરફી લેમ્પ્સમાંથી બહુપક્ષીય લેમ્પ્સ બનાવવાનું શરૂ થયું. તેમના હેન્ડલ્સ પણ કલાત્મક અને રાખવા માટે અનુકૂળ બનાવવામાં આવ્યા હતા. સત્તરમી-અઢારમી સદીમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને અપ્સરાઓના રૂપમાં દીવાઓ બનાવવાનું શરૂ થયું. આ સમયે ‘મયુરા ધૂપ દીપક’ ખૂબ જ લોકપ્રિય હતો.
રાજાશાહી સમયમાં છત પરથી લટકતા દીવા ખૂબ જ લોકપ્રિય હતા. પરીઓ, પ્રાણીઓ, પક્ષીઓ અને દેવી-દેવતાઓની આકૃતિઓમાં દીવા શણગારાતા. સાંકળથી લટકતા હંસ અને કબૂતરોના પંજા પર ત્રણથી પાંચ દીવા બનાવવામાં આવતા. મુઘલોના સમયમાં દીવાઓમાં અનોખા ફેરફારો થયા. ગોળાકાર લટકાવેલા કલાત્મક લેમ્પ્સ મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા ઉપરાંત આઠ ખૂણાવાળા, ગુંબજ આકારના અને અન્ય પ્રકારના દીવા બનાવવામાં આવ્યા. સેંકડો આકાર અને કદમાં દીવા અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેમના યોગ્ય ઉપયોગ માટે ’દીપશાસ્ત્ર’ પણ લખવામાં આવ્યું. જેમાં ગાયનું ઘી દીવા પ્રગટાવવા માટે સૌથી વધુ ઉપયોગી હોવાનું જણાવાયું હતું. સરસવનું તેલ ઘીના વિકલ્પ તરીકે આપવામાં આવ્યું હતું. દીપશાસ્ત્રમાં કપાસમાંથી અનેક પ્રકારની લાઈટ બનાવવાની રીતો પણ સૂચવવામાં આવી હતી. રામાયણકાળ પહેલાં દિવાળીનું જોડાણ ફક્ત બલિદાન કથાના સંદર્ભમાં જ માન્ય અને પ્રચલિત હતું. કાર્તિક શુક્લ પ્રતિપદાને ‘બલિ પ્રતિપદા’ પણ કહેવામાં આવે છે. આ દિવસે બલી મહારાજની પણ પૂજા કરવામાં આવે છે. રાજા બલી ચતુર્દશીથી ત્રણ દિવસ પોતાના રાજ્યમાં ફરે છે અને ત્રણેય દિવસે દીવાનું દાન પણ કરે છે. આ બલિદાન દીપદાનને કારણે જ આ તહેવારને દિવાળી કહેવામાં આવે છે. હરિદ્વારમાં હર કી પૌરીથી લઈ વારાણસીના ઘાટ પર પોતાના વંશની સમૃદ્ધિ માટે દરરોજ સાંજે ગંગા આરતી દરમિયાન દીવાઓ ગંગા નદીમાં દાન કરવામાં આવે છે.
પ્રાચીન ભારતમાં જેમજેમ માણસ સભ્ય અને સંસ્કારી બન્યો, તેમતેમ અગત્યની ઘટના સાથે દીવાનું મહત્ત્વ જોડાવા લાગ્યું. દિવાળી પર આકાશમાં સૌથી ઊંચો જે દીવો લટકાવવામાં આવે છે તેને ’આશા-દીપ’ કહેવાય છે, સ્વયંવરના સમયે જે દીવો પ્રગટાવવામાં આવે છે તેને ’સાક્ષી-દીપ’ કહેવાય છે. ’આરતી-દીપ’ના સમયે જે દીવો પ્રગટાવતો હતો તેને ’નંદ-દીપ’ કહે છે. મંદિરોના પ્રવેશદ્વારો અને શહેરોના મુખ્ય માર્ગો પર બનાવેલા દીવાઓને ’દીવા-સ્તંભો’નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેના પર એક સાથે સેંકડો દીવાઓ પ્રગટાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં દીવાઓનું સ્થાન મીણબત્તીઓ અને ઈલેક્ટ્રીક બલ્બ કે આર્ટિફિશિયલ લેપ્મ્સ દ્વારા લેવામાં આવ્યું હોવા છતાં આત્માને પ્રકૃતિ સાથે ઓળખવાની અનુભૂતિના સ્વરૂપમાં પ્રગટાવવામાં આવતા દીવાઓ આજે પણ માટી, પિત્તળ કે તાંબાના બનેલા છે. ઘીથી પ્રગટાવવામાં આવેલો આ દીવો આપણા હૃદયની અશુદ્ધિઓને ધોઈ નાખે છે અને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જઈ જીવનમાં ઝગમગાટ પાથરી દે છે.
સેંકડો આકાર અને કદમાં દીવા અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેમના યોગ્ય ઉપયોગ માટે ‘દીપશાસ્ત્ર’ પણ લખવામાં આવેલું
આશા-દીપ, સાક્ષી-દીપ, આરતી-દીપ, નંદ-દીપ, દીવા-સ્તંભો કોને કહેવાય? કોડિયાની દિલચસ્પ કથા
આત્માને પ્રકૃતિ સાથે ઓળખવાની અનુભૂતિના સ્વરૂપમાં પ્રગટાવવામાં આવતા દીવાઓ હૃદયની અશુદ્ધિઓને ધોઈ નાખે છે
પંચતત્વોના પ્રતિક છે પ્રકાશ ફેલાવતા દીવડા
અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, દેવી પુરાણ, ઉપનિષદો અને વેદોમાં પણ દીવા પ્રગટાવવાના નિયમો અને મહત્વનો ઉલ્લેખ છે. દીવાને પાંચ તત્વોનું પ્રતિક માનવામાં આવે છે. તેની પાછળની માન્યતા છે કે દીવો બનાવવા માટે પાણીમાં માટી નાખવામાં આવે છે, જે પૃથ્વી અને જળ તત્વોનું પ્રતિક છે. આ પછી દીવાને સૂર્ય અને હવામાં સૂકવવામાં આવે છે, જે આકાશ અને વાયુ તત્વનું પ્રતિક છે. અંતે દીવાને આગમાં ગરમ કરવામાં આવે છે, જે અગ્નિ તત્વનું પ્રતિક છે. આ રીતે માટીનો દીવો પાંચ તત્વો પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિનું પ્રતિક છે.