2023 માં હોમલોન લેનારાઓની સંખ્યામાં 40.5 ટકાનો વધારો થયો હતો, જે ઓગસ્ટ 2024માં ઘટીને 13.2 ટકા થયો
દેશમાં આ વર્ષે હોમ લોન લેનારાં ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આરબીઆઈના ડેટા અનુસાર, ઓગસ્ટ 2023માં હોમ લોન લેનારાઓની સંખ્યામાં 40.5 ટકાનો વધારો થયો હતો, જે ઓગસ્ટ 2024માં ઘટીને માત્ર 13.1 ટકા થયો છે.
- Advertisement -
આ ઘટાડાનું મુખ્ય કારણ ઊંચા વ્યાજદર અને મકાનોની વધતી કિંમતો હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે મોટાભાગની બેંકો હોમ લોન સહિત તમામ પ્રકારની લોન પરનાં વ્યાજ માટે એક્સટર્નલ બેન્ચમાર્ક તરીકે રેપો રેટનો ઉપયોગ કરે છે. રેપો રેટ એ વ્યાજ દર છે જેનાં પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોના વ્યાજ દરમાં વધારો થશે અને પછી બેંકો પણ તેમનાં ગ્રાહકોનાં વ્યાજ દરમાં વધારો કરશે.
આરબીઆઈએ મે 2022 થી રેપો રેટમાં ઘણી વખત વધારો કર્યો છે. આ કારણે, પોલિસી રેટ ફેબ્રુઆરી 2023માં 2.5 ટકા વધીને 6.5 ટકા પર પહોંચી ગયો છે. આ કારણે હોમ લોન પર વ્યાજ દર પણ 6.5 ટકાથી વધીને 9 ટકા થઈ ગયો છે. હાલમાં ઘણી બેંકો 8.5 થી 9.5 ટકા સુધીનું વ્યાજ વસૂલી રહી છે.
લોકોને ફેબ્રુઆરી 2023થી રાહત મળી નથી
નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં વ્યાજદરમાં તીવ્ર વધારો થયાં બાદ લાંબા સમયથી સ્થિરતા આવી છે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે આરબીઆઈએ ફેબ્રુઆરી 2023થી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. આનો અર્થ એ થયો કે હોમ લોન લેનારાઓને લાંબા સમયથી કોઈ રાહત મળી નથી. જો કે, છેલ્લાં બે મહિનાથી, ફુગાવાનો દર આરબીઆઈ દ્વારા નિર્ધારિત 4 ટકાની મર્યાદામાં રહ્યો છે અને નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યાં છે કે રેપો રેટમાં ઘટાડો કરવાની પ્રક્રિયા આ વર્ષે ડિસેમ્બર અથવા આવતાં વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. આ કારણે તમામ પ્રકારની લોનના વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવના છે.
- Advertisement -
મકાનોની કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે
હોમ લોન લેવામાં ભારે ઘટાડાનું એક કારણ મકાનોની કિંમતોમાં વધારો પણ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જ દેશનાં ટોચનાં 10 શહેરોમાં મકાનોની કિંમતમાં 88 ટકાનો વધારો થયો છે. ચાલું વર્ષનાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, દિલ્હી-એનસીઆરમાં ઘરની કિંમત વાર્ષિક ધોરણે 29 ટકા વધી છે.
દિલ્હી-એનસીઆરમાં રહેણાંક મિલકતોની સરેરાશ કિંમત એક વર્ષ અગાઉનાં સમાન સમયગાળામાં રૂ.5570 પ્રતિ ચોરસ ફૂટથી વધીને રૂ. 7200 પ્રતિ ચોરસ ફૂટ થઈ છે. આ વધારાનું કારણ સિમેન્ટ અને સ્ટીલ સહિત તમામ પ્રકારની બાંધકામ સામગ્રીનાં ભાવમાં વધારો છે.