શહેરી બ્યુટિફિકેશનની સમજ પણ લોકોમાં જાગૃત કેળવવી પડશે
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદી સાથે ખૂબ રસપ્રદ ઈતિહાસ જોડાયો છે અને વર્ષો પહેલા આ નાવલી નદીમાં તાજા ખળખળતાં નીર વહેતા એવા આહલાદક દ્રશ્યો સાંપ્રત સમયમાં જાણે દિવાસ્વપ્ન સમાન છે. તેને ફરી મૂર્તિમંત કરવાના ભગીરથ પ્રયાસમાં સંયુક્ત પ્રયાસ જરૂર છે.
- Advertisement -
આજે આ નાવલી ગંદકીથી ખદબદતી જોવા મળે છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં ગટરના ગંદા પાણી વહી રહ્યા છે અને આ દુર્ગંધ મારતાં ગટરના પાણીને કારણે શહેરીજનોના આરોગ્ય પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. ભૂતકાળમાં નગરપાલિકાના સત્તાધીશોએ લાખો રૂપિયા ખર્ચને નાવલીને ગંદકી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વ્યર્થ..!! એ ખર્ચેલ ધન પણ બિલકુલ પાણીમાં ગયું.!!
હવે સ્થિતિ એ છે કે સાવરકુંડલાના જાગૃત ધારાસભ્ય મહેશ કસવાળાએ આ નાવલી નદીને રિવર ફ્રન્ટથી મઢી દેવા કરોડોનો ખર્ચ કરવામાં આવશે જે પ્લાન મંજૂર થઈ ગયો છે અને તેનું ખાતમુહૂર્ત પણ આગામી 5-11-24 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે આ નાવલીને ગંદકીમુક્ત કરવામાં માત્ર વહીવટી તંત્રની જવાબદારી છે કે ધારાસભ્યની જવાબદારી છે એવું નથી તમામ શહેરીજનોની સંયુક્ત જવાબદારી જ ગણી શકાય. અર્થાત નાવલી નદીને ગંદકી મુક્ત રાખવા માટે દરેકે સાથે મળીને સહિયારા પ્રયાસ કરવા પડશે.. નાવલી નદીમાં ગટરના પાણી વહી રહ્યા છે.
એટલે જ કરોડોના ખર્ચે ડેમેજ ગટરને નવીનીકરણ કરી ગટરનું પાણી બહાર ન જાય તે માટેની પણ યોજનાઓ મંજૂર થઈ છે અને એ ખાતમુહૂર્ત પણ ગુજરાતના મુખ્યમંત્રી કરશે ત્યારે હવે શહેરીજનોને ગંદકી મુક્ત નાવલી બનાવવા માટેનો પ્રયાસ સૌ સાથે મળીને કરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય.
- Advertisement -
વહીવટી તંત્રએ પણ કરોડો રૂપિયાના ખર્ચે સરકારના પ્રયાસને યથાર્થ કરવા માટે કોઈપણ પ્રકારની આર્થિક અપેક્ષા રાખ્યા વિના પૂરેપૂરી તાકાતથી કામ કરવું જોઈએ તો જ આ ગટર ગંગા છે તે નવલ ગંગામાં પરિવર્તિત થઈ શકે.. સૌથી પેચીદો સવાલ છે નદી કાંઠે આવેલા અમુક પાલાધારકો અને શાકભાજી વાળા પીટીશનરો આ વેપારીઓ અને નગરપાલિકા તેમજ કલેક્ટર અને કોર્ટમાં પ્રયત્નો ચાલુ છે શહેરમાં આટલું સુંદર કામ થતું હોય ત્યારે વહીવટી તંત્ર અને પાલા શાકભાજીવાળા સાથે બેઠક કરી કોઈ યોગ્ય રચનાત્મક ઉકેલ લાવે તે પણ શહેરની ખૂબસુરતી માટે ઈચ્છનીય છે અને સંભવત: તો જ આ રિવરફ્રન્ટનું મધુર સોણલું શત પ્રતિશત સાકાર થઈ શકે.. અને તો જ આપડું કુંડલા ખરાં અર્થમાં રળિયામણું બની શકે. બાકી તો હરિ કરે એ ખરી.