સોરઠ પંથકમાં દે….ધનાધન વરસાદથી ખેડૂતો બન્યા લાચાર
માવઠાની આફતના મારથી ખેડૂતો નિ:સહાય સ્થિતિમાં
- Advertisement -
બે દિવસથી વરસતા 1થી 5 ઇંચ વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ જિલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને સોરઠ પંથકમાં શનિવાર અને રવિવારે 1 થી 5 ઇંચ વરસાદે ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું છે અને જગતના તાતની દિવાળી બગાડી નાખી છે.સતત માવઠાના મારના લીધે ધરતી પુત્રો નિ:સહાય સ્થિતિમાં મુકાય છે.લાખોનો ખર્ચ કરીને ખેડૂતોએ મહામૂલો પાક તૈયાર કર્યો હતો અને દિવાળી પેહલા પાક લણવાનો વારો આવ્યો એ સમયે ભારે વરસાદ વરસતા મગફળી, સોયાબીન સહિતના કઠોળના પાકને વ્યાપક નુકશાન થયું છે.ત્યારે ખેડૂતોની વેદના સાંભળો સરકાર તેવો પોકાર ધરતી પુત્રો કરી રહ્યા છે અને તાત્કાલિક સર્વે કરાવી ખેતી પાકને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તાર માંથી માંગ ઉઠવા પામી છે. જૂનાગઢ જિલ્લા સહીત છેલ્લા બે દિવસમાં મેઘરાજા મન મૂકીને વરસતા મેંદરડા, વિસાવદર, ભેસાણ, વંથલી, કેશોદ, માળીયા હાટીના, સાથે જૂનાગઢ તાલુકા અને ગીર સોમનાથના ગીર ગઢડા, ઉના સહીતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસતા તૈયાર થયેલ ખેતી પાકનો સોથ વળી ગયો છે.જેમાં મગફળીના પથરા તણાવાની સાથે પલળી જતા જગતનો તાત મુંજાય ગયો છે.જેમાં ઘેડ પંથકના ખેડૂતોએ તો ચોમાસાની શરૂઆતથી ભારે વરસાદના લીધે ખેતી પાકમાં નુકશાની વેઠવી પડી છે.અને ચારથી પાંચ વાર ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ઘુસી જતા જમીન ધોવાણ સાથે ખેતી પાકને ભારે નુકશાન થયું છે.હવે છેલ્લે છેલ્લે ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે હતી ત્યારે ફરી વરસાદ વરસતા ખેડૂતો પર આફત આવી પડી છે. સોરઠ પંથકમાં માવઠાના મારથી ખેતી પાકને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવા ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેરથી જગતનો તાત સરકાર પાસે પોકારી રહ્યો છે કે, સરકાર તંત્રને આદેશ કરે અને સ્થળ નિરીક્ષણ કરાવી નુકશાનીનો સર્વે કરવામાં આવે અને તાત્કાલિક એહવાલ રજુ કરીને ખેતી પાકને થયેલ નુકશાની સહાય ચુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.જેમાં ખેડૂત આગેવાનો પણ સરકારમાં લેખિત લખીને જગતના તાતને થયેલ ભારે નુકશાનીમાં ઝડપી પગલાં ભરીને સહાય ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
સોરઠમાં માવઠાનો માર, ઇકોઝોન, ઘેડ પંથક જળબંબાકાર સામે ઝઝૂમતો ખેડૂત
- Advertisement -
સૌરાષ્ટ્ર સહીત સોરઠ પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદના લીધે ધરતી પુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ માવઠાના મારના લીધે ખેતી પાક નષ્ટ થયો છે.તો બીજી તરફ ઘેડ પંથકના માણાવદર, કેશોદ, માંગરોળ અને પોરબંદરના આવતા ઘેડના ગામડાઓ ચોમાસાની શરૂઆતમાં પાણી ઘુસી જતા જળબંબાકાર જેવી સ્થતિનું નિર્માણ થયું હતું અને ખેતી પાકની સાથે જમીનોનું ભારે ધોવાણ થયું હતું ત્યારે ઘેડની સમસ્યા મુદ્દે આગામી તા.25 ઓકટોબરના રોજ કેશોદ તાલુકાના બામણાસા ગામે ખેડૂત મહા પંચાયતનું આયોજન ઘેડ વિકાસ સમિતિ અને સંયુક્ત કિશાન મોરચા દ્વારા કરવામાં આવ્યું છે.હજુ ખેડૂતો માથે ઇકો સેન્સેટિવ ઝોનની તલાવર લટકી રહી છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આમ સોરઠના ખેડૂતો ત્રણ મોરચે લડાઈ લડી રહ્યા છે.જેમાં ખેડૂતો માવઠાના માર સાથે ઇકોઝોન નાબુદી અને ઘેડ પંથક જળબંબાકાર થતા ભારે નુકશાની સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે.ત્યારે ખેડૂતોને આશા છે કે, રાજ્ય સરકાર વેહલી તકે ખેડૂતોની વહારે આવે અને ખેડૂતોની વેદના સાંભળે તેવો અવાજ ઉઠવા પામ્યો છે.